RBIએ દેશમાં ₹10 અને ₹20ના પ્લાસ્ટિકના નોટો બજારમાં ઉતારવાની તમામ પ્રાથમિક અને ટેક્નિકલ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ માટે સંભવિત સમયરેખા પણ નક્કી કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નવા નાણાકીય વર્ષથી બજારમાં પહોંચશે 200 કરોડ પ્લાસ્ટિક નોટો
વિવિધ મીડિયા અહેવાલો અને સત્તાવાર સૂત્રો અનુસાર, આગામી નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે 1 એપ્રિલ, 2027થી ₹10 અને ₹20ના આ આધુનિક પોલીમર નોટો સામાન્ય જનતાના હાથમાં પહોંચવાનું શરૂ થઈ શકે છે. રિઝર્વ બેંક આ મહત્વકાંક્ષી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂઆતમાં કુલ 200 કરોડ પ્લાસ્ટિક નોટો બજારમાં ફરતી કરવા જઈ રહી છે. જેમાં ₹1ની 1 અબજ (100 કરોડ) નોટો અને ₹20ની 1 અબજ (100 કરોડ) નોટોનો સમાવેશ થાય છે.
કાગળની નોટો ઝડપથી ફાટવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે
ભારતીય ચલણમાં ₹10 અને ₹20ના મૂલ્યની નોટોનો દૈનિક જીવનમાં, શાકભાજી માર્કેટમાં, પરિવહનમાં અને નાના વેપારમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. વારંવાર હાથ બદલાવાને કારણે અને પરસેવા કે ભેજને લીધે સામાન્ય કાગળના નોટો બહુ ઝડપથી ફાટી જાય છે, ગંદા થઈ જાય છે અથવા ઓગળી જાય છે. રિઝર્વ બેંકના અહેવાલ મુજબ, વિશ્વના અનેક વિકસિત દેશોમાં પ્લાસ્ટિક આધારિત નોટો 30 વર્ષથી પણ વધુ સમય સુધી ફાટ્યા કે બગડ્યા વગર અડીખમ ચાલે છે. જેથી આ નવી ટેકનોલોજીથી નોટોના પ્રિન્ટિંગ ખર્ચમાં દેશને લાંબા ગાળે મોટો આર્થિક ફાયદો થશે.
શું જૂની કાગળની નોટો બંધ થઈ જશે?
નવી ચલણી નોટોની ચર્ચા વચ્ચે રિઝર્વ બેંકે સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો કર્યો છે કે, નવા પ્લાસ્ટિક નોટો બજારમાં આવવાથી હાલ ચલણમાં રહેલા જૂના કાગળના નોટો બિલકુલ બંધ થશે નહીં. નવી પોલીમર નોટો અને જૂની કાગળની નોટો બંને એકસાથે સમાંતર રીતે બજારમાં માન્ય ચલણ તરીકે ચાલુ રહેશે. આ ઉપરાંત, કેન્દ્રીય બેંકે જણાવ્યું છે કે નવા નોટોના કદમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, જેના કારણે દેશભરની બેંકોએ ATM મશીનોને રી-કોન્ફિગર કે અપગ્રેડ કરવા પાછળ કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડશે નહીં.
સોશિયલ મીડિયાની અફવાઓથી સાવધાન
રિઝર્વ બેંકે વધુમાં સ્પષ્ટતા કરી છે કે, હાલના તબક્કે ₹100, ₹200 કે ₹500 જેવા મોટા મૂલ્યના પ્લાસ્ટિક નોટો લાવવાની કોઈ યોજના કે વિચારણા નથી. આ માત્ર એક પ્રારંભિક ફિલ્ડ ટ્રાયલ હોવાથી તેની શરૂઆત ફક્ત નાના મૂલ્યની કરન્સીથી જ કરવામાં આવી રહી છે. RBIએ નાગરિકોને સોશિયલ મીડિયા પર જૂની નોટો બંધ થવા કે મોટી નોટો પ્લાસ્ટિકની બનવા અંગે ફેલાતી કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.



