ઈન્ડોનેશિયામાં પણ આ જળવાયુ પરિવર્તનની ગંભીર અસર જોવા મળી છે, જેના કારણે ત્યાંના પામ ઓઇલના ઉત્પાદન અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર ગંભીર સંકટ ઊભું થવાની પૂરી આશંકા છે.
ઈન્ડોનેશિયામાં અલ-નીનો અને વરસાદની ખેંચના કારણે પામ ઓઇલનું ઉત્પાદન અંદાજે ૫૦ લાખ ટન જેટલું ઘટી શકે છે. આ ઉપરાંત ત્યાંની સરકારની ‘B50 બાયોડીઝલ પૉલિસી’ના કારણે મોટાભાગનું તેલ સ્થાનિક સ્તરે જ વપરાઈ જશે, જેનાથી ભારત જેવા આયાતકાર દેશોની મુશ્કેલીઓ વધી શકે છે.
ગ્લોબલ સપ્લાય ચેઈન પ્રભાવિત થતાં નિકાસમાં થશે મોટો ઘટાડો
ઇન્ડોનેશિયન પામ ઓઇલ એસોસિએશન (GAPKI)ના તાજેતરના અહેવાલ મુજબ, કુદરતી આપત્તિઓને કારણે ક્રૂડ પામ ઓઇલ (CPO)ના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાશે, જેની સીધી અસર આગામી વર્ષની શરૂઆતથી જ વૈશ્વિક બજાર પર દેખાવા લાગશે.
ઈન્ડોનેશિયામાં કુલ 5.3 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ છે, પરંતુ B50 નીતિ લાગુ થવાથી માત્ર બાયોડીઝલ પાછળ જ 1.63થી 1.70 કરોડ ટન પામ ઓઇલની ઘરેલુ ખપત થઈ જશે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં થતી નિકાસ માત્રામાં ભારે કાપ મૂકવો પડશે, જે વૈશ્વિક બજારમાં તેલની અછત સર્જશે.
પામ ઓઇલ મોંઘું થતાં સોયાબીન અને સરસવના તેલના ભાવ પણ ભડકશે
પામ ઓઇલ એ વૈશ્વિક સ્તરે સૌથી સસ્તું ખાદ્ય તેલ માનવામાં આવે છે. જ્યારે પામ ઓઇલના ભાવ વધે છે ત્યારે ગ્રાહકોની માંગ સ્વાભાવિક રીતે જ સોયાબીન અને ઘરેલુ સરસવના તેલ તરફ શિફ્ટ થાય છે, જેના કારણે તેના ભાવ પણ ઝડપથી વધવા લાગે છે.
સપ્ટેમ્બર મહિનામાં જ મુખ્ય ખાદ્ય તેલોના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 9.7થી 11.2 ટકાનો વધારો નોંધાઈ ચૂક્યો છે. આરબીડી પામોલિનથી લઈને ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ ટન 1200થી 1400 ડોલર સુધી પહોંચી ગયા છે.
ભારતની આયાત નિર્ભરતા અને સોલવન્ટ એસોસિએશનના આંકડા
ભારત પોતાની ખાદ્ય તેલની કુલ જરૂરિયાતોનો આશરે 55થી 60 ટકા હિસ્સો વિદેશોમાંથી આયાત કરે છે, જેમાં પામ ઓઇલનો હિસ્સો સૌથી મોટો છે. ભારત પોતાની આ જરૂરિયાત મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલેશિયા પાસેથી પૂરી કરે છે.
‘સૉલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા'(SEAના ડેટા મુજબ, ભારતે છેલ્લા 11 મહિનામાં 151.64 લાખ ટન ખાદ્ય તેલની આયાત કરી છે. જો આગામી દિવસોમાં પામ ઓઇલની વૈશ્વિક સપ્લાય ખોરવાશે તો ભારતીય બજારમાં ખાદ્ય તેલોના ભાવમાં રાહત મળવાને બદલે મોંઘવારીનો નવો રેકોર્ડ બની શકે છે.



