અમદાવાદના CTM એક્સપ્રેસ હાઇ-વે પર આવેલા ટોલનાકા પાસેથી રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી પોલીસે ડ્રગ્સના આ વિશાળ જથ્થા સાથે ત્રણ આંતરરાજ્ય આરોપીઓની રફુચક્કર થતાં પહેલાં જ ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના વિવિધ શહેરો અને વિસ્તારોમાં સપ્લાય કરવાનો હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓનો ભયાનક અને કુખ્યાત ગુનાહિત ઇતિહાસ
ઝડપાયેલા ત્રણેય આરોપીઓ આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કટ્ટર ગુનેગારો છે.
તિફેલ નોખેજ (ઉંમર 44 વર્ષ, રહે. નવી દિલ્હી): આ આરોપી વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરી દરમિયાન પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવે છે.
મોહમ્મદ ઇમરાન અલ્વી (ઉંમર 38 વર્ષ, રહે. મેરઠ): આ આરોપી છેડતી, માનવ તસ્કરી (કબૂતરબાજી) અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે.
કફીલ અહેમદ (ઉંમર 59 વર્ષ, રહે. નવી દિલ્હી): આ શખસ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ એમ.ડી. અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાઈ ચૂકેલો કુખ્યાત ડ્રગ પેડલર છે.
હેરોઇન અને મેફેડ્રોન ડ્રગ્સનો 25 કરોડનો જથ્થો જપ્ત
પોલીસ ટીમે આ કુખ્યાત પેડલરો પાસેથી જપ્ત કરેલા માદક પદાર્થોનું કાયદેસરનું તોલમાપ અને પરીક્ષણ કરાવતા મોટો વિસ્ફોટ થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2497.490 ગ્રામ (આશરે 2.5 કિલો) એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કર્યું છે,
જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો લેખે આશરે 3 કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત તેમની પાસેથી 4531.220 ગ્રામ (આશરે 4.5 કિલો) ઉચ્ચ ગુણવત્તાનું હેરોઇન મળી આવ્યું છે, જેની બજાર કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો લેખે કરોડો રૂપિયા થાય છે. આમ, કુલ ૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે.
આંતર-રાજ્ય ડ્રગ્સ સપ્લાય નેટવર્કનો પર્દાફાશ
અમદાવાદના એક્સપ્રેસ હાઇવે CTM ટોલનાકા પરથી રામોલ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં થયેલી આ ભવ્ય કાર્યવાહીથી આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાની આ મોટી સિન્ડિકેટ પર પોલીસે ત્રાટકીને સમગ્ર રેકેટને પૂરું કર્યું છે.
હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જેથી આ ડ્રગ્સ ગુજરાતમાં કોને સપ્લાય કરવાનું હતું અને આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાંઓ સામેલ છે તેની વિગતો મેળવી શકાય.



