જયપુર તરફ જઈ રહેલું LPG ગેસ ભરેલું ટેન્કર વડોદરાના નંદેસરી નજીકથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા દૂધના ટેન્કરે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ LPG ટેન્કરના પાછળના ભાગમાં આવેલા વાલ્વમાંથી ગેસ લીક થવા લાગ્યો હતો અને આસપાસના વિસ્તારમાં ગેસ ફેલાયો હતો.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે
ગેસ લીકેજને કારણે આગ કે અન્ય ગંભીર દુર્ઘટના સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને નંદેસરી પોલીસ અને વડોદરા ફાયર બ્રિગેડની TP-13 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સાવચેતીના પગલા તરીકે આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો અને હાઇવે પર વાહનવ્યવહાર બંધ કરાવવામાં આવ્યો હતો.
આઠ કલાક બાદ પણ હાઇવે પર વાહનવ્યવહાર બંધ
હાઇવે બંધ થતાં અનેક વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા. કેટલાક વાહનચાલકોને લાંબું અંતર કાપીને પાછા ફરવાની ફરજ પડી હતી. અહેવાલ મુજબ, અકસ્માતના આશરે આઠ કલાક બાદ પણ વાહનવ્યવહાર ફરી શરૂ થયો નહોતો.
લીકેજ બંધ કરવું જોખમી, ટેન્કર ખાલી થાય તેની રાહ
TP-13ના સ્ટેશન ઓફિસર કિરણ બારિયાના જણાવ્યા અનુસાર, ટેન્કરમાંથી ગેસનું લીકેજ ચાલુ હતું અને નજીક જઈને તેને બંધ કરવું જોખમી હતું. તેથી ટેન્કર ખાલી થાય ત્યાં સુધી રાહ જોવામાં આવી રહી હતી. લીકેજ સંપૂર્ણપણે બંધ થાય અને સ્થળ સુરક્ષિત જાહેર થાય ત્યાર બાદ જ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવાની સ્થિતિ સ્પષ્ટ થશે. હાલ ગેસ લીકેજને ધ્યાનમાં રાખીને સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. વાહનચાલકોએ અસરગ્રસ્ત માર્ગથી દૂર રહેવું અને પોલીસ તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.



