પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાનાં દર્શન કરવા આવેલા વડોદરામાં રહેતા યુવકનું ખીણમાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, અનિલ ભીલ નામનો યુવક ડુંગર પરથી નીચે ઉતરતી વખતે પગથિયાંવાળો નિયત માર્ગ છોડીને જોખમી શોર્ટકટ અપનાવી રહ્યો હતો.
આ દરમિયાન સંતુલન ગુમાવતાં તે અંદાજે 1,000 ફૂટ ઊંડી ખીણમાં પટકાયો હતો. ગંભીર ઈજાઓ સાથે તેને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
મહાકાળી માતાનાં દર્શન કરવા પાવાગઢ આવ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી અનિલ ભીલ રોજગાર માટે વડોદરામાં સ્થાયી થયો હતો. તે મહાકાળી માતાનાં દર્શન કરવા પાવાગઢ આવ્યો હતો. દર્શન કર્યા બાદ તે પગપાળા ડુંગર પરથી નીચે ઉતરી રહ્યો હતો.
જોકે, ઝડપથી નીચે પહોંચવાની ઉતાવળમાં તેણે સુરક્ષિત પગથિયાંવાળો માર્ગ છોડીને પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો જોખમી રસ્તો પસંદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
યુવકનો પગ લપસતાં તે ઊંડી ખીણમાં ગબડી પડ્યો
ચોમાસા બાદ પર્વતની ભેખડો અને પથ્થરો લપસણા હોવાને કારણે આ માર્ગ પર જોખમ વધી ગયું હતું. આ દરમિયાન યુવકનો પગ લપસતાં તે ઊંડી ખીણમાં ગબડી પડ્યો હતો.
ઘટનાને પગલે આસપાસ હાજર યાત્રાળુઓમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, મંદિર ટ્રસ્ટના સુરક્ષાકર્મીઓ, SDRF અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી હતી.
ગંભીર રીતે ઘવાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો
ખીણની ઊંડાઈ અને દુર્ગમ પરિસ્થિતિને કારણે યુવકને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દોરડા અને ખાસ સ્ટ્રેચરની મદદથી કલાકોની કામગીરી બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.
ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, માથાના ભાગે ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.



