ખજૂરભાઈએ અગાઉ આપેલા વચન મુજબ સ્વ. ચંદન રાઠોડના પરિવાર માટે ત્રણ રૂમ અને રસોડા સાથેનું પાકું મકાન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરિવારને સુરક્ષિત અને કાયમી આશ્રય મળી રહે તે આ પહેલનો મુખ્ય હેતુ છે. ચંદન રાઠોડના અવસાન બાદ પરિવાર મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં નવું મકાન પરિવાર માટે મોટી રાહત બની શકે છે. નિર્માણકાર્ય શરૂ થતાં પરિવારજનોમાં પણ આશાની નવી કિરણ જાગી છે.
ધ્રાંગધ્રા અને રાજસીતાપુરથી લોકો શ્રમદાન માટે પહોંચ્યા
મકાનના નિર્માણકાર્યમાં સહયોગ આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી લોકો સુઈગામ પહોંચ્યા હતા. ધ્રાંગધ્રાના એક શોરૂમના સ્ટાફે શ્રમદાન કરીને આ સેવાકાર્યમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત રાજસીતાપુરની ફેક્ટરી અને ફર્નિચર શોરૂમના કર્મચારીઓ પણ સહયોગ આપવા માટે પહોંચ્યા હતા. અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો પોતાની રીતે આ પહેલમાં જોડાઈ રહ્યા છે. કોઈ શ્રમદાન કરીને તો કોઈ પોતાની ક્ષમતા મુજબ સહયોગ આપીને પરિવારને નવું ઘર મળે તે માટે પ્રયાસ કરી રહ્યું છે.
‘બનાસકાંઠામાં જે પણ નિરાધાર હશે, તેનું મકાન બનાવીશ’
ખજૂરભાઈએ જણાવ્યું કે બનાસકાંઠાના લોકોએ તેમને ખૂબ પ્રેમ આપ્યો છે અને તેઓ આ વિસ્તારના નિરાધાર પરિવારોને મદદ કરવા માગે છે. તેમણે ચાર વર્ષ પહેલાં વછોડા ગામમાં 55 ડિગ્રી તાપમાનમાં શંકરભાઈનું ઘર બનાવ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે યુવાનોને 2,000 હેલ્મેટનું વિતરણ કરવાના આયોજન અંગે પણ વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, જરૂરિયાતમંદોને મદદ કરવાની સાથે લોકોની સુરક્ષા અને સામાજિક જવાબદારીને લગતા કાર્યો પણ તેમના આયોજનમાં સામેલ છે.
યુટ્યુબર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને પણ અપીલ
ખજૂરભાઈએ અન્ય યુટ્યુબર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને સામાન્ય લોકોને પણ આ સેવાકાર્યમાં જોડાવા અપીલ કરી છે. તેમના આહ્વાનને પગલે વિવિધ વિસ્તારોમાંથી લોકો સુઈગામ આવી રહ્યા છે અને મકાનના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. ગુજ્જુ લવગુરુના પરિવાર માટે શરૂ થયેલી આ પહેલ હવે લોકોના સહયોગનું ઉદાહરણ બની રહી છે. સ્વ. ચંદન રાઠોડ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની સાથે આ પ્રયાસ મુશ્કેલીના સમયમાં એક પરિવારને સહારો આપવાની માનવતાભરી ભાવનાને પણ ઉજાગર કરે છે.



