બોલિવૂડમાં પોતાની શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતા સુપરસ્ટાર અક્ષય કુમારે તાજેતરમાં જ પોતાના કરિયર અને કામ કરવાની પદ્ધતિને લઈને એક મોટો અને ભાવુક ખુલાસો કર્યો છે. દીકરી દુઆના જન્મ બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણે દિવસમાં 8 કલાકની શિફ્ટની માંગણી કરી હતી, જેના કારણે તેણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ ગુમાવવી પડી હતી. હવે અક્ષય કુમારે પણ સ્વીકાર્યું છે કે, તેઓ પણ દિવસમાં માત્ર 8 કલાક જ કામ કરે છે અને આ એક નિયમને કારણે બોલિવૂડના ઘણા મોટા ડિરેક્ટર્સ અને પ્રોડ્યૂસર્સ તેમને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરતા અચકાય છે. ‘કોફી વિથ કરણ સીઝન-9’ના 7મા એપિસોડમાં અક્ષય કુમાર અને રવિ કિશનની જોડીએ દર્શકોને ખૂબ હસાવ્યા, પરંતુ આ દરમિયાન જ્યારે કરણ જોહરે અક્ષયના વખાણ કરતા કહ્યું કે, તેઓ નવા ડિરેક્ટર્સ અને પ્રોડ્યૂસર્સનું ખૂબ ધ્યાન રાખે છે ત્યારે અક્ષયે દર્દભર્યા અવાજે કહ્યું હતું કે, “આ વાતમાં એ પણ સત્ય છે કે ઘણા મોટા લોકો મને કાસ્ટ કરવા માંગતા નથી.”
8 કલાકની શિફ્ટમાં વેનિટી વેનમાં પણ નથી જતા અક્ષય કુમાર
શો દરમિયાન પોતાની કાર્યશૈલીનો બચાવ કરતા અક્ષય કુમારે જણાવ્યું હતું કે, “હું દિવસમાં માત્ર 8 કલાક જ કામ કરું છું, પરંતુ લોકો એ ભૂલી જાય છે કે હું આ 8 કલાક દરમિયાન મારી વેનિટી વેનમાં પણ જતો નથી અને સતત શૂટિંગ કરું છું.” અક્ષયે વધુમાં ઉમેર્યું કે દર્શકો તેમને સ્ક્રીન પર હંમેશા હેન્ડસમ, ફિટ અને જોશથી ભરપૂર જોવા માંગે છે, નહીં કે થાકેલા. તેથી જ તેઓ દિવસમાં 8 કલાક પૂરી નિષ્ઠાથી કામ કરે છે, 8 કલાકની પૂરતી ઊંઘ લે છે અને બાકીનો સમય પોતાના પરિવાર સાથે, યોગ્ય આહાર લેવામાં અને પોતાના શરીરનું ધ્યાન રાખવામાં વિતાવે છે.
રવિ કિશને કર્યા અક્ષયના ભરપૂર વખાણ
એપિસોડમાં હાજર ભોજપુરી અને બોલિવૂડ અભિનેતા રવિ કિશને અક્ષય કુમારનું સમર્થન કરતા કહ્યું કે, અક્ષય આ 8 કલાકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપે છે. અત્યાર સુધી અક્ષય સાથે ચાર ફિલ્મોમાં કામ કરી ચૂકેલા રવિ કિશને જણાવ્યું હતું કે, “અક્ષય એટલી ઝડપથી કામ કરે છે અને શૂટિંગ દરમિયાન પોતાનું સંપૂર્ણ જીવન કામને સમર્પિત કરી દે છે. તેઓ નિર્માતાના પૈસા પણ બચાવે છે. આ રીતે જ કોઈ અક્ષય કુમાર બને છે. તેમના ઝડપી કામને કારણે ઘણા બધા લોકોને રોજગારી મળે છે, કારણ કે ફિલ્મ યુનિટમાં સામાન્ય રીતે 300થી 400 લોકો કામ કરતા હોય છે. નિર્માતાઓ પણ ખુશ રહે છે કારણ કે તેમના પૈસા ડૂબતા નથી અને અક્ષય લગભગ 55 દિવસમાં પોતાની ફિલ્મ પૂરી કરી લે છે.”
ક્રિસ્ટોફર નોલાન અને ટોમ ક્રૂઝના ઉદાહરણ આપી અક્ષયે ટીકાકારોની બોલતી કરી બંધ
વર્ષમાં ત્રણ-ચાર ફિલ્મો કરવા બદલ થતી ટીકાઓનો જવાબ આપતા અક્ષય કુમારે હોલિવૂડના દિગ્ગજોના ઉદાહરણ આપ્યા હતા. અક્ષયે કહ્યું કે,”કેટલાક લોકો મને પૂછે છે કે, હું 60-65 દિવસમાં ફિલ્મો કેવી રીતે પૂરી કરી લઉં છું? મેં તાજેતરમાં જ વિશ્વવિખ્યાત નિર્દેશક ક્રિસ્ટોફર નોલાનનો એક ઇન્ટરવ્યુ વાંચ્યો હતો, જેમાં તેમણે કહ્યું કે તેઓ કદાચ એક ફિલ્મ પૂરી કરવામાં 90 દિવસથી વધુ સમય લેતા નથી. સુપરસ્ટાર ટોમ ક્રૂઝે પણ ‘મિશન: ઇમ્પોસિબલ’નું શૂટિંગ 55 દિવસમાં પૂરું કર્યું હતું. મને સમજાતું નથી કે લોકો મને કેમ પૂછે છે કે ‘તું આટલી બધી ફિલ્મો કેમ કરે છે?’ જો હું કામ નહીં કરું તો બીજું શું કરીશ?”
લાઇવ શોમાં ટ્વિંકલ ખન્નાએ ફોન પર લીધો અક્ષયનો ક્લાસ
શોના એક મજેદાર સેગમેન્ટમાં અક્ષય કુમારે પોતાની પત્ની અને જાણીતી લેખિકા-અભિનેત્રી ટ્વિંકલ ખન્નાને ફોન લગાવ્યો હતો, પરંતુ સ્પીકર પર થયેલી આ વાતચીતમાં ટ્વિંકલે મજાક-મજાકમાં અક્ષયને ટીઝ કર્યો હતો. ટ્વિંકલે સૌથી પહેલા અક્ષયને સવારે વહેલા મોટા અવાજે ભજન ગાઈને પોતાની ઊંઘ બગાડવા બદલ ઠપકો આપ્યો હતો. ટ્વિંકલે રમૂજી અંદાજમાં કહ્યું, “હું ગઈકાલે રાત્રે બરાબર ઊંઘી શકી નહોતી અને ઉપરથી તેં મને સવારે વહેલી ઉઠાડી દીધી. સવારે 6 વાગ્યે કોણ ભજન વગાડે છે? અને પાછું તું એટલા મોટા અવાજે ગાતો હતો, જાણે કોઈ મોટો ગાયક હોય! મેં તને કેટલી વાર કહ્યું છે કે, ઓછામાં ઓછું બાથરૂમનો દરવાજો તો બરાબર બંધ કરતો જા.”



