સ્પેશિયલ રિવ્યૂમાં બાદશાહે ખાસ કરીને ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકના ખુલ્લામને વખાણ કર્યા છે. તેણે જણાવ્યું કે રાક્ષસરાજ રાવણ સાથે જટાયુના યુદ્ધવાળો સીન એટલો અદ્ભુત રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે તે જોઈને જ રૂવાંડા ઊભા થઈ જાય છે.
આ ઉપરાંત, જ્યારે સીન દરમિયાન ‘ધરતી અંબર’ થીમ બેકગ્રાઉન્ડમાં વાગે છે, ત્યારે તે ક્ષણ સિનેમાઘરમાં એક અલગ જ દિવ્ય અનુભવ ઊભો કરે છે. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાના વિઝનને બિરદાવતા બાદશાહે કહ્યું કે ફિલ્મના દરેક ફ્રેમમાં કરવામાં આવેલી મહેનત સ્પષ્ટપણે દેખાય છે.
ભગવાન રામ તરીકે રણબીર કપૂર અને સાઈ પલ્લવીનો દમદાર અભિનય
ફિલ્મની સ્ટારકાસ્ટના પ્રદર્શન અંગે વાત કરતા બાદશાહે દરેક કલાકારના કામની પ્રશંસા કરી છે. ભગવાન શ્રી રામના પાત્રમાં રણબીર કપૂરની સાદગી અને દિવ્યતા, માતા સીતાના રોલમાં સાઈ પલ્લવીની ભક્તિમય અભિવ્યક્તિ અને લંકેશ રાવણ તરીકે સાઉથ સુપરસ્ટાર યશનો દબદબો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દે તેવો છે.
આ ઉપરાંત લક્ષ્મણના રોલમાં રવિ દુબે, લારા દત્તા, અરુણ ગોવિલ અને રકુલ પ્રીત સિંહ જેવા અનુભવી કલાકારોએ પણ પોતપોતાની ભૂમિકામાં જીવ રેડી દીધો છે.
₹4,000 કરોડનું વિશાળ બજેટ અને ઓસ્કાર વિજેતા VFX નો જાદુ
નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ બે ભાગની મેગા માયથોલોજિકલ સીરીઝ આશરે ₹4,000 કરોડના સંયુક્ત બજેટ સાથે તૈયાર કરવામાં આવી છે, જે તેને વિશ્વની સૌથી મોંઘી ફિલ્મોની યાદીમાં સ્થાન અપાવે છે.
ફિલ્મમાં વિઝ્યુઅલ ગ્રાન્ડનેસ લાવવા માટે 8 વખત ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકેલા સ્ટુડિયો DNEG નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘પ્રાઇમ ફોકસ’ ના નમિત મલ્હોત્રા અને યશના ‘મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ’ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત આ પ્રોજેક્ટ ભારતીય સિનેમાને ગ્લોબલ લેવલ પર નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે.



