સિંગર યો યો હની સિંહના પરિવાર અને સ્નેહીજનો પર આફત આવી પડી છે. તેમના ભત્રીજા વિદિત ઓલકના અકાળે અને આકસ્મિક નિધનના સમાચારે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
પોતાના વહાલા ભત્રીજાને ગુમાવી દેતાં હની સિંહ પણ ભારે આઘાતમાં સરી પડ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ હૃદયદ્રાવક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વિદિતના પિતાને ગળે લગાવીને રડતા અને અત્યંત ભાવુક થતાં જોવા મળી રહ્યા છે.
પિતાને ભેટીને ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા
આ કપરા સમયમાં શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપવા અને તેમનો સહારો બનવા માટે હની સિંહ તાત્કાલિક પંજાબના જલંધર ખાતે પહોંચ્યા હતા.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, હની સિંહ વિદિતના ઘરની બહાર ગાડીમાંથી ઉતરે છે, જ્યાં તેમના ચહેરા પર શોક અને લાચારી સ્પષ્ટ દેખાય છે. ઘરની બહાર મોટી સંખ્યામાં સગાં-સંબંધીઓ અને ચાહકો ઉપસ્થિત હતા. હની સિંહ સીધા જ વિદિતના પિતા દિનેશ ઓલક પાસે ગયા અને તેમને વળગી પડ્યા હતા.
પોતાના વહાલસોયા દીકરાને ગુમાવી ચૂકેલા પિતા હની સિંહને ગળે લગાવીને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈને હની સિંહ પણ પોતાની જાતને રોકી શક્યા નહોતા અને આંસુ લૂછતા નજરે પડ્યા હતા. ત્યારબાદ દિનેશ તેમને ઘરની અંદર લઈ ગયા હતા, જ્યાં હની સિંહે પરિવારના અન્ય સભ્યોને ધીરજ બંધાવી હતી.
‘આ અંધકારભર્યો સમય છે’
વિદિતના અકાળ અવસાનથી વ્યથિત થઈને હની સિંહે સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી હતી. પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર દુઃખ વ્યક્ત કરતાં તેમણે લખ્યું હતું કે, “મારા માટે આ સમય અંધકારથી ભરેલા દશક જેવો છે. પોતાના ભત્રીજાને કાયમ માટે ગુમાવી દેવાનું દર્દ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.” આ સાથે જ તેમણે ભગવાન ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી કે તેઓ આ અસહ્ય આઘાત સહન કરવાની પરિવારને શક્તિ અને હિંમત આપે.
કેવી રીતે સર્જાયો હતો ગોઝારો કાર અકસ્માત?
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ભયાનક માર્ગ અકસ્માત 1 નવેમ્બરની વહેલી સવારે પંજાબના જલંધર શહેરમાં બન્યો હતો. વિદિત પોતાના ખાસ મિત્ર આરવ તલવાર સાથે એક મિત્રની બર્થડે પાર્ટીમાંથી મોડી રાત્રે કારમાં પરત ફરી રહ્યો હતો.
આ દરમિયાન જલંધરના પોલીસ લાઇન્સ વિસ્તાર નજીક આવેલા ફ્લાયઓવર પરથી પસાર થતી વખતે તેમની કાર રસ્તાની એક બાજુ પાર્ક કરેલી મહાનગરપાલિકાની ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારના કુરચે-કુરચા ઊડી ગયા હતા અને વિદિત તેમજ આરવ બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.



