જાહ્નવી કપૂર પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. લાંબા સમયથી તેનું નામ શિખર પહાડિયા સાથે જોડાઈ રહ્યું છે. આ બંને અવારનવાર પારિવારિક મેળાવડાઓ અને જાહેર કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે અને જાહ્નવી પણ ક્યારેય પોતાના આ સંબંધને જાહેરમાં સ્વીકારવામાં સંકોચ અનુભવતી નથી.
સોશિયલ મીડિયા પર પણ બંને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં જોવા મળે છે. હવે કરણ જોહરના લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ’ના આગામી એપિસોડમાં જાહ્નવી પોતાના અંગત જીવન સાથે જોડાયેલી એક અત્યંત ભાવુક વાત રજૂ કરતી જોવા મળશે.
આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, વર્ષ 2018માં તેની માતા અને સુપરસ્ટાર શ્રીદેવીના નિધન બાદ શિખર પહાડિયા કેવી રીતે તેની પડખે ઊભા રહ્યા હતા.
શ્રીદેવીના નિધન બાદ શિખરે બદલી નાખી હતી પોતાની દિનચર્યા
‘કોફી વિથ કરણ’ના એપિસોડમાં જાહ્નવી કપૂર પોતાની આગામી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ના કો-સ્ટાર વરુણ ધવન સાથે જોવા મળશે. શો દરમિયાન કરણ જોહરે જાહ્નવીને શિખર પહાડિયા સાથેના તેના સંબંધો અંગે પૂછ્યું હતું. કરણે તે સમયને યાદ કર્યો જ્યારે શ્રીદેવીના અવસાન બાદ શિખર સતત જાહ્નવીની સાથે રહ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, તે સમયે બંને સત્તાવાર રીતે રિલેશનશિપમાં નહોતા તેમછતાં શિખરે જાહ્નવીની નજીક રહેવા માટે પોતાના જીવનમાં ઘણા મોટા ફેરફારો કર્યા હતા. જાહ્નવીએ જણાવ્યું કે, તે સમયે શિખર લંડનમાં અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ માતાના નિધનના સમાચાર મળતાં જ તે પોતાનો અભ્યાસ વચ્ચેથી છોડીને મુંબઈ આવી ગયો હતો.
‘તેને જરૂર પડે તો હું આસપાસ હોવો જોઈએ’
જાહ્નવીના જણાવ્યા અનુસાર, શિખરે તેની નજીક રહેવા માટે ગુપચુપ રીતે પોતાના રહેવાની વ્યવસ્થા પણ બદલી નાખી હતી. સામાન્ય રીતે શિખર મુંબઈના ટાઉન વિસ્તારમાં પોતાના પિતા સાથે રહેતો હતો, પરંતુ બાદમાં જાહ્નવીને જાણ થઈ કે તે લગભગ એક મહિના સુધી જુહુમાં પોતાના એક મિત્રના ઘરે રહ્યો હતો,
જેથી તે જાહ્નવીના ઘરની નજીક રહી શકે. જાહ્નવીએ કહ્યું કે, “એવું નહોતું કે અમે દરરોજ મળતાં હતાં પરંતુ, શિખરે માત્ર એટલું સુનિશ્ચિત કર્યું હતું કે જો મને કોઈ મુશ્કેલ પળમાં તેની જરૂર પડે, તો તે તરત જ હાજર થઈ શકે.” આ વાતની જાણ જાહ્નવીને ઘણા સમય પછી થઈ હતી.



