રામોલ વિસ્તારમાં રબારી કોલોની પાસે નાસ્તાની લારી ચલાવતા યુવકની 15 વર્ષની દીકરીને ઘરકામ અને અભ્યાસ બાબતે ઠપકો મળવાનો ડર હતો. આથી ગત 2 નવેમ્બરના રોજ તે મોબાઈલ, ચાર્જર અને કપડાં લઈને ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી,
પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. ઘરેથી નીકળ્યા બાદ સગીરા રિક્ષામાં બેસીને ન્યૂ કોટન મિલ મેટ્રો સ્ટેશન પહોંચી હતી. ત્યાંથી થલતેજ અને ઓલ્ડ હાઈકોર્ટ થઈ સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી હતી.
અજાણી વૃદ્ધ મહિલાએ સગીરાને પોતાની સાથે લઈ ગઈ
સાબરમતી રેલવે સ્ટેશન પર એક અજાણી વ્યક્તિએ સગીરાને જમવા માટે રૂ. 100 આપ્યા હતા. ત્યારબાદ તે ટ્રેનમાં બેસી ગઈ હતી. બીજા દિવસે સવારે ટ્રેન બિકાનેર રેલવે સ્ટેશન પર ઊભી રહેતાં સગીરા ત્યાં ઊતરી હતી. બિકાનેરમાં એક વૃદ્ધ મહિલા સાથે તેની મુલાકાત થઈ હતી.
સગીરાએ મહિલાને પોતાની પરિસ્થિતિ જણાવી હતી. ત્યારબાદ મહિલાએ પોતાની બે પુત્રવધૂઓ રેખા અને મંજુ સાથે સગીરાને નોખા ગામે લઈ જવાનું કહી બીજી ટ્રેનમાં બેસાડી હતી.
સાત દિવસ ઘરમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
સગીરાને નોખા ગામમાં રેખાબેનના ઘરે લઈ જવામાં આવી હતી. ફરિયાદ મુજબ, ત્યાં તેને ઘરની બહાર નીકળવા દેવામાં આવતી નહોતી. 3 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી તેને ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી.
આ સાત દિવસ દરમિયાન રેખાબેન, મંજુબેન અને પરિવારના અન્ય સભ્યોની મદદથી રાકેશ નામના શખસે અલગ-અલગ સમયે અને અલગ-અલગ રૂમમાં સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.



