લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ટ્યુશનથી ઘરે પરત ફરતા 17 વર્ષના કિશોરનો કરુણ અંત! સુરતમાં ડમ્પરની ટક્કરથી દુર્ઘટના

by

Thenewsdk

Updated: 19-11-2026, 06.26 PM

Follow us:

સુરત શહેરમાં પોલીસ કમિશનરના સત્તાવાર જાહેરનામા મુજબ સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ડમ્પર સહિતના ભારે વાહનોના પ્રવેશ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં શહેરના માર્ગો પર બેફામ ઝડપે ભારે વાહનો દોડી રહ્યા છે.

ચાર રસ્તા નજીક ટ્યુશનથી સાયકલ પર ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થી પ્રિન્સ પર ડમ્પરનું પાછળનું તોતિંગ વ્હીલ ફરી વળતા તેને શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે વિદ્યાર્થીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અકસ્માત કરનાર ડમ્પર અને પ્રતિબંધ છતા ઘટનાસ્થળેથી દોડતા બેફામ ડમ્પર.

‘પ્રિન્સ દોઢ વર્ષનો હતો ત્યારે દત્તક લીધો હતો’
આ ઘટના અંગે મૃતકના મામા રજનીકાંત રાણાએ ભારે હૈયે જણાવ્યું હતું કે, “અમને અકસ્માતની જાણ થતા જ અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પ્રિન્સ પર ડમ્પરનું પાછળનું વ્હીલ ફરી વળ્યું હતું અને તેની પાંસળીના ભાગે ગંભીર નિશાન જોવા મળ્યા હતા.

મારા બહેન-બનેવીને સંતાન ન હોવાથી તેમને સતત ચિંતા રહેતી હતી કે ઘડપણમાં અમારું કોણ? આથી ભરૂચના અનાથ આશ્રમમાંથી પ્રિન્સ જ્યારે માત્ર દોઢ વર્ષનો હતો ત્યારે તેને કાયદેસર રીતે દત્તક લીધો હતો. તેને દત્તક લેવાની પ્રક્રિયામાં અમારા પરિવારના અરવિંદભાઈ રાણાએ પણ ખૂબ મહેનત કરી હતી.”

‘કાલે જ ખુશ થઈને કહેતો હતો કે મારે 17 વર્ષ પૂરા થઈ ગયા’
દત્તક લીધેલા બાળકને પોતાના સગા સંતાન કરતાં પણ વિશેષ પ્રેમથી ઉછેરવા અંગે ભાવુક થયેલા માસી ભાવનાબેન રાણાએ આક્રંદ કરતા જણાવ્યું હતું કે, “અમે ભરૂચના અનાથ આશ્રમમાંથી તેને દત્તક લઈને ખૂબ જ આર્થિક સંકડામણ અને દુઃખ સહન કરીને મોટો કર્યો હતો.

બાળપણમાં તેના કાનનું ઓપરેશન પણ કરાવ્યું હતું. તે બે દિવસ પહેલા જ ઉજ્જૈન દર્શન કરીને આવ્યો હતો અને ગઈકાલે જ ખૂબ ખુશ થઈને કહેતો હતો કે હવે મારે 17 વર્ષ પૂરા થઈ ગયા છે. અમારી આંખો સામે જ અમારો જીગરનો ટુકડો છીનવાઈ ગયો છે.”

વિદ્યાર્થીનો મૃતદેહ હોસ્પિટલ ખસેડાયો હતો.

ટ્રાફિક અને પોલીસ તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો
સુરતમાં વારંવાર બનતા જીવલેણ ડમ્પર અકસ્માતોને પગલે સ્થાનિક નાગરિકો અને પરિવારજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રતિબંધિત સમય (નો-એન્ટ્રી) દરમિયાન પણ આવા તોતિંગ ભારે વાહનો કઈ રીતે શહેરના ગીચ વિસ્તારોમાં પ્રવેશી જાય છે, તે અંગે ટ્રાફિક અને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

મહેનત અને સંઘર્ષથી ઉછેરેલા એકના એક દત્તક પુત્રને ગુમાવનાર રાણા પરિવારે જવાબદાર ડમ્પર ચાલક સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરી ઝડપી ન્યાય અપાવવાની માંગ કરી છે. હાલ પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની અટકાયત કરીને ડમ્પર કબજે લીધું છે અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤