રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું ગગડ્યું છે. સમગ્ર રાજ્યમાં અમરેલી 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્યાં પારો સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચો રહ્યો છે. ત્યારબાદ કચ્છના નલિયામાં 11.8 ડિગ્રી (સામાન્ય કરતાં 3.6 ડિગ્રી નીચું) અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 12 ડિગ્રી (સામાન્ય કરતાં 4.3 ડિગ્રી નીચું) તાપમાન નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રે લોકો તીવ્ર ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરતમાં પણ પારો ગગડ્યો
સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના અન્ય પ્રમુખ શહેરોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. આંકડાકીય વિગતો મુજબ રાજકોટમાં 13.2 ડિગ્રી (સામાન્ય કરતાં 4.7 ડિગ્રી નીચું), વડોદરામાં 13.4 ડિગ્રી (સામાન્ય કરતાં 4.3 ડિગ્રી નીચું) અને પોરબંદરમાં 14 ડિગ્રી (સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચું) લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત મેગાસિટી અમદાવાદમાં 16 ડિગ્રી (સામાન્ય કરતાં 0.7 ડિગ્રી નીચું) અને ડાયમંડ સિટી સુરતમાં 16.6 ડિગ્રી (સામાન્ય કરતાં 2.9 ડિગ્રી નીચું) લઘુત્તમ તાપમાન રહેતા શહેરીજનો ખુશનુમા ગુલાબી ઠંડીનો આનંદ માણી રહ્યા છે.
ગુજરાતીઓના પ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ
ગુજરાતની સરહદે આવેલા અને ગુજરાતીઓના સૌથી પ્રિય પર્યટન સ્થળ એવા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે લઘુત્તમ તાપમાન ગગડીને હિમબિંદુ એટલે કે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. માઉન્ટ આબુમાં પારો શૂન્ય પર પહોંચતા જ ત્યાં ઠંડીનું જોર અત્યંત વધી ગયું છે, જેની સીધી અસર ગુજરાતના સરહદી વિસ્તારો પર પણ જોવા મળી રહી છે. ઠંડી હવાઓને કારણે સવાર અને સાંજના સમયે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે અને લોકો હવે ઘરની બહાર સ્વેટર, શાલ અને જેકેટ જેવા ગરમ કપડાં પહેરીને નીકળવા લાગ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી એક અઠવાડિયા સુધી આકાશ સ્વચ્છ રહેવા અને આવી જ ઠંડી જળવાઈ રહેવાની આગાહી કરી છે.
આગામી 24 કલાક તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત
IMDના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્ય પર ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાનની સત્તાવાર આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં પરંતુ, ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થવાની શક્યતા છે, જેનાથી ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. અમદાવાદ શહેર માટે આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



