ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા દેશ સેવા પૂર્ણ કરીને પરત ફરેલા પૂર્વ અગ્નિવીરો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
9 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરાયેલા નવા સુધારા નિયમો અનુસાર, હવે પૂર્વ અગ્નિવીરોને ગુજરાત પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી (Uniformed) જગ્યાઓ પર સીધી ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની લિખિત પરીક્ષા આપવી પડશે નહીં.
અગાઉ રાજ્ય સરકારે તેઓને શારીરિક કાર્યક્ષમતા કસોટી (Physical Test) માંથી મુક્તિ આપી હતી. હવે શારીરિક અને લિખિત બંને કસોટીઓમાંથી મુક્તિ મળતા પૂર્વ અગ્નિવીરો માટે પોલીસ ખાતામાં જોડાવવાનો માર્ગ અત્યંત સરળ બની ગયો છે.
નિયમ 5Aનો ઉમેરો અને વયમર્યાદામાં વિશિષ્ટ છૂટછાટ
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સરકારી ગેઝેટ મુજબ મૂળ નિયમોમાં નિયમ ૫ પછી નિયમ ૫A ઉમેરવામાં આવ્યો છે. આ નવા નિયમ અનુસાર સત્તાવાર સીધી ભરતીની પ્રક્રિયામાં પૂર્વ અગ્નિવીરોને લિખિત પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
આ સુધારો ગેઝેટ પ્રકાશનની તારીખથી જ અમલી બની ગયો છે. આ ઉપરાંત અગ્નિવીરોને વયમર્યાદામાં પણ રાહત આપવામાં આવી છે, જે મુજબ સામાન્ય પૂર્વ અગ્નિવીરોને મહત્તમ વયમર્યાદામાં 3 વર્ષની છૂટછાટ મળશે, જ્યારે અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને ખાસ 5 વર્ષ સુધીની વયમર્યાદામાં છૂટછાટનો લાભ મળશે.
પોલીસ અને જેલ વિભાગની આ મહત્વપૂર્ણ જગ્યાઓ પર મળશે લાભ
ગૃહ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ પૂર્વ અગ્નિવીરોને ગૃહ વિભાગ હેઠળની વિવિધ નિર્ધારિત જગ્યાઓ પર આ સવલત પ્રાપ્ત થશે. જેમાં મુખ્યત્વે:
- સશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (Armed PSI)
- સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ (Armed Police Constable)
- એસઆરપીએફ (SRPF) પ્લાટૂન કમાન્ડર
- એસઆરપીએફ (SRPF) પોલીસ કોન્સ્ટેબલ
- જેલ વિભાગની વિવિધ ગણવેશધારી કેડરની જગ્યાઓ
20 ટકા અનામતનો લાભ યથાવત અને મૂળ નિવાસીની શરત
રાજ્ય સરકારે 17 જુલાઈ, 2026ના રોજ જાહેર કરેલા મૂળ નિયમો અનુસાર ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત પોલીસમાં 20 ટકા અનામતની જોગવાઈ યથાવત રાખી છે. આ અનામતનો લાભ માત્ર ગુજરાતના મૂળ નિવાસી અથવા કાયમી રહેવાસી હોય તેવા જ પૂર્વ અગ્નિવીરોને પ્રાપ્ત થશે.
જેમણે ભારતીય ભુમિદળ, નૌકાદળ અથવા વાયુદળમાં અગ્નિવીર તરીકે સફળતાપૂર્વક પોતાની સેવાઓ પૂર્ણ કરી હોય અને જરૂરી દસ્તાવેજ ચકાસણીમાં યોગ્ય ઠરે, તેમને સીધી નિમણૂક આપવામાં આવશે.



