હવે મુસાફરી વધુ સરળ અને ચિંતામુક્ત બનવા જઈ રહી છે. નવા નિયમ અનુસાર, હવેથી બસ સ્ટેશનના કાઉન્ટર પરથી લેવામાં આવેલી ટિકિટ માટે કાગળનો ટુકડો સાચવી રાખવાની જરૂર રહેશે નહીં. કાઉન્ટર પર બુકિંગ કરાવતા જ મુસાફરના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS મોકલવામાં આવશે, જેને મુસાફરી દરમિયાન અધિકૃત ટિકિટ તરીકે માન્ય ગણવામાં આવશે.
કાગળની ટિકિટ ફાટી જવાની કે ખોવાઈ જવાની મગજમારીમાંથી મળશે રાહત
સામાન્ય રીતે બસ સ્ટેશનના બુકિંગ કાઉન્ટર પરથી પ્રિન્ટેડ કાગળની ટિકિટ મેળવ્યા બાદ મુસાફરોએ તેને આખી સફર દરમિયાન ખૂબ જ સંભાળીને રાખવી પડતી હતી. ઘણી વખત ઉતાવળમાં કે ભીડના કારણે ટિકિટ ખોવાઈ જવી, ખિસ્સામાં ચોંટી જવી કે ફાટી જવાની ઘટનાઓ બનતી હતી. જેના કારણે કંડક્ટર સાથે ઘર્ષણ થવાની અને દંડ ભરવાની નોબત આવતી હતી. GSRTC ના આ નવા ડિજિટલ નિર્ણયથી મુસાફરોને આ તમામ મુશ્કેલીઓમાંથી કાયમી ધોરણે મુક્તિ મળશે અને સફર વધુ આરામદાયક બનશે.
ભારતીય રેલવે જેવી સુવિધા હવે ગુજરાત એસટી બસમાં પણ ઉપલબ્ધ
ભારતીય રેલવેમાં જે રીતે ઓનલાઈન બુકિંગ બાદ મોબાઈલમાં આવેલો ટેક્સ્ટ મેસેજ (SMS) બતાવીને મુસાફરી કરી શકાય છે, તે જ રીતે હવે ગુજરાત એસટી નિગમે પણ આધુનિક સુવિધા અપનાવી છે.
નિગમે કાઉન્ટર બુકિંગ સિસ્ટમને સીધી ટેક્સ્ટ મેસેજ સર્વિસ સાથે જોડી દીધી છે. ટિકિટ ચેકિંગ દરમિયાન કંડક્ટર જ્યારે ટિકિટ માંગશે, ત્યારે પેસેન્જર પોતાના ફોનમાં આવેલો મેસેજ બતાવીને મુસાફરી પૂર્ણ કરી શકશે. આ પગલાથી માત્ર મુસાફરોને જ સુવિધા નહીં મળે પરંતુ કાગળનો વપરાશ ઘટતાં પર્યાવરણને પણ ફાયદો થશે.
SMS માન્ય રહેશે પરંતુ ઓરિજિનલ ID પ્રૂફ સાથે રાખવું ફરજિયાત
મોબાઈલના SMS ના આધારે મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી હોવા છતાં, એસટી નિગમે સિક્યોરિટી અને યોગ્ય ચકાસણી માટે એક મહત્વનો શરતી નિયમ લાગુ રાખ્યો છે. મુસાફરી કરતી વખતે પેસેન્જરે પોતાનું અસલ (Original) ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત રહેશે.
ટિકિટ ચેકિંગ દરમિયાન કંડક્ટર કે ચેકિંગ સ્ક્વોડ દ્વારા SMS ની સાથે મુસાફરના આઈડી પ્રૂફની માંગણી કરવામાં આવી શકે છે. આ માટે મુસાફરો આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ કે અન્ય કોઈ પણ માન્ય સરકારી ઓળખપત્ર બતાવી શકશે.



