અંબાજીનો પ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદ ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગથી સન્માનિત થયો છે. આ માન્યતાથી પ્રસાદની પરંપરાગત ઓળખને કાનૂની રક્ષણ મળશે. તિરુપતિના લાડુ અને પલાનીના પંચામૃતમની જેમ હવે અંબાજીનો મોહનથાળ પણ વિશિષ્ટ મંદિર પ્રસાદોની યાદીમાં સામેલ થયો છે.
1 ઓક્ટોબરે GI ટેગનું સર્ટિફિકેટ જારી થયું
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે કેન્દ્રીય GI રજિસ્ટ્રી દ્વારા અંબાજીના મોહનથાળને ફૂડ પ્રોડક્ટ્સની ક્લાસ-30 શ્રેણી હેઠળ GI ટેગ આપવામાં આવ્યો છે. ઉપલબ્ધ વિગતો અનુસાર, આ માન્યતાનું સર્ટિફિકેટ 1 ઑક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું.
નવરાત્રિના પ્રથમ નોરતે વિશેષ સમારોહ
આ સિદ્ધિની ઉજવણી માટે 11 ઑક્ટોબર, 2026ના રોજ નવરાત્રિના પ્રથમ નોરતે અંબાજી મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાવાનો છે. સવારે 10થી 11 વાગ્યા દરમિયાન યોજાનારા સમારોહમાં કંટ્રોલર જનરલ ઑફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા GI રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ટ્રસ્ટને સત્તાવાર પ્રમાણપત્ર અર્પણ કરશે.
GI ટેગથી અંબાજીના મોહનથાળને શું ફાયદો થશે?
GI ટેગ કોઈ વિશિષ્ટ ભૌગોલિક વિસ્તાર સાથે જોડાયેલી પ્રોડક્ટની ઓળખને માન્યતા આપે છે. અંબાજીના મોહનથાળને આ ટેગ મળવાથી તેની પરંપરાગત ઓળખનું રક્ષણ કરવામાં મદદ મળશે. સાથે જ, અધિકૃત ઓળખનો અનધિકૃત ઉપયોગ અને નકલ સામે કાનૂની કાર્યવાહી માટેનો આધાર પણ મળી શકે છે.



