તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક ચા-પાણી માટે ઉભેલા ટ્રેલરની પાછળ પૂરપાટ ઝડપે આવેલી બોલેરો ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
આ અકસ્માતમાં બોલેરોમાં સવાર 6 લોકોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરી માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
બોલેરોમાં સવાર 6 લોકોનાં મોત
અકસ્મતમાં મોતને ભેટેલા લોકોમાં વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ અને યોગેશભાઈનો સમાવેશ થાય છે. જ્યારે જયેશભાઈ નામની વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને પ્રથમ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ટ્રેલર પાછળ ઘૂસી ગઈ બોલેરો
મળતી માહિતી મુજબ, તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક RJ-31-GA-9871 નંબરનું ટ્રેલર ઊભું હતું. ટ્રેલર ચાલક ચા-પાણી પીવા માટે રસ્તા પર ઊભો રહ્યો હતો. આ દરમિયાન GJ-04-EP-2599 નંબરની બોલેરો પૂરપાટ ઝડપે આવી અને ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો.



