દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર મહિનામાં રેશનિંગ દુકાનો મારફતે સિંગતેલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દુકાનદારોના જણાવ્યા અનુસાર, પુરવઠા વિભાગ દ્વારા 100 ટકા જથ્થા પ્રમાણે નાણાં ભરાવી લેવામાં આવ્યા છે,
પરંતુ દુકાનો સુધી માત્ર 60થી 80 ટકા જેટલો જ જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. દુકાનદારોનો આક્ષેપ છે કે પૂરી રકમ જમા કરાવ્યા બાદ પણ બાકી રહેલા તેલનો જથ્થો મળ્યો નથી. તહેવારના સમયે જથ્થાની અછતને કારણે દુકાનદારો પર આર્થિક બોજ ઊભો થયો છે. બાકીના નાણાં અથવા જથ્થા અંગે સ્પષ્ટતા ન હોવાથી તેમની મુશ્કેલી વધી રહી છે.
‘વહેલા તે પહેલાં’ના ધોરણે વિતરણથી ગ્રાહકોમાં રોષ
જથ્થો ઓછો મળતાં કેટલીક દુકાનો પર ‘વહેલા તે પહેલાં’ના ધોરણે સિંગતેલનું વિતરણ કરવાની સ્થિતિ સર્જાઈ છે. પરિણામે તમામ પાત્ર કાર્ડધારકોને તેલ આપી શકાય તેમ ન હોવાથી કેટલાક લાભાર્થીઓને ખાલી હાથે પરત ફરવું પડી શકે છે.
દિવાળી જેવા તહેવાર પહેલાં સિંગતેલ ન મળતાં ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગ્રાહકો દુકાનદારો પાસે તેલની માગણી કરે છે, જ્યારે દુકાનદારો ઓછો જથ્થો મળ્યો હોવાનું જણાવી રહ્યા છે. આ સ્થિતિમાં ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા વધી છે. દુકાનદારોનું કહેવું છે કે જો કોઈ કાર્ડધારક ઓનલાઈન ફરિયાદ કરે તો પુરવઠા વિભાગ દ્વારા દુકાનદારને જ તેલ ન આપવાનું કારણ પૂછવામાં આવી શકે છે, જ્યારે તેમના જણાવ્યા મુજબ સમસ્યા જથ્થાની અછતને કારણે ઊભી થઈ છે.
જિલ્લા પુરવઠા અધિકારીએ શું કહ્યું?
આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે કોઈ પણ દુકાનદારને ઓછું સિંગતેલ આપવામાં આવ્યું નથી.
જો ક્યાંય ઓછો જથ્થો મળ્યો હોવાની સ્થિતિ હશે તો દુકાનદારની માગણી મુજબ પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવશે. હવે પુરવઠા વિભાગ દ્વારા દુકાનદારોને પૂરતો જથ્થો પહોંચાડવામાં આવે છે કે નહીં અને તમામ પાત્ર રેશનકાર્ડ ધારકોને દિવાળી પહેલાં સિંગતેલ મળી રહે છે કે નહીં, તે જોવાનું રહેશે.



