ચાંદખેડા વિસ્તારમાં સ્થિત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકીભર્યો સંદેશ મળ્યો છે. આ ઉપરાંત, વિદ્યા ભારતી સ્કૂલ અને શહેરની ઐતિહાસિક સી.એન. વિદ્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એકસાથે શહેરની મુખ્ય શાળાઓને નિશાન બનાવીને આપવામાં આવેલી ધમકીના કારણે શિક્ષણ જગત અને શહેરીજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
વાલીઓમાં ચિંતાનું મોજું, બાળકોને ઘરે લઈ જવા સ્કૂલે પહોંચ્યા
ધમકી મળવાના સમાચાર વાયુવેગે ફેલાતાં જ વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાની સાથે જ મોટી સંખ્યામાં વાલીઓ પોતાના સંતાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને તાબડતોબ ઘરે લઈ જવા માટે શાળા પરિસરમાં પહોંચી ગયા હતા. શાળાઓ દ્વારા પણ સુરક્ષાના પગલારૂપે તાત્કાલિક ધોરણે વર્ગો સ્થગિત કરીને વાલીઓને શાંતિપૂર્વક બાળકો સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ, બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ અને સર્ચ ઓપરેશન
આ ઘટના અંગે શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ (BDDS) અને ડોગ સ્કોડની વિશેષ ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી હતી.
ટીમો દ્વારા શાળાના વર્ગખંડો, પાર્કિંગ એરિયા, પ્લેગ્રાઉન્ડ અને બિલ્ડિંગના ખૂણેખૂણાની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે આ અફવા કે ખોટો ઇ-મેઇલ હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે તેમછતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવામાં આવી રહી નથી.
સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધમકીભર્યા ઇ-મેઇલના સોર્સની તપાસ
આ ધમકી કયા માધ્યમથી અને ક્યાંથી મોકલવામાં આવી છે તેની તપાસ માટે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની ટીમને પણ કામે લગાડવામાં આવી છે. ઇ-મેઇલના IP એડ્રેસ અને સર્વરનું લોકેશન ટ્રેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભૂતકાળમાં પણ આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સર્વરનો ઉપયોગ કરીને મોકલવામાં આવેલા બોમ્બ થ્રેટ ઇમેઇલ્સ પાછળ વિદેશી તત્વો કે અસામાજિક તત્વોનો હાથ હોવાનું સામે આવ્યું હતું.



