ગોકુલ હોટેલના કટ નજીક પૂરઝડપે જતી અર્ટિગા કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા 42 વર્ષીય અશોકભાઈ ઢાકરેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસ ફરિયાદમાં જણાવાયેલી વિગતો મુજબ, અકસ્માત પહેલાં કારમાં સવાર મિત્રો બિયર પીધા બાદ બાપુનગરથી ગોધાવી જવા નીકળ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ અને ડ્રાઇવરની સ્થિતિ અંગેની તપાસ ચાલી રહી છે.
બિયર પીધા બાદ બાપુનગરથી ગોધાવી જવા નીકળ્યા હતા મિત્રો
પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદી પ્રેમ દિલીપભાઈ ભદોરિયા અને તેમના મિત્રો એકઠા થયા હતા અને તેમણે સાથે મળીને બિયર પીધો હતો. ત્યારબાદ કારચાલક ભગીરથસિંહ ઝાલા ગોધાવીના રહેવાસી હોવાથી તમામ મિત્રો અર્ટિગા કારમાં બાપુનગરથી ગોધાવી જવા રવાના થયા હતા. ફરિયાદમાં જણાવાયેલી વિગતો અનુસાર, કારમાં સવાર લોકો એસ.પી. રિંગ રોડ તરફ આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન ગોકુલ હોટેલના કટ નજીક અકસ્માત સર્જાયો હતો. જોકે, કારચાલકે દારૂના નશામાં જ વાહન ચલાવ્યું હતું કે નહીં, તે અંગેની સત્તાવાર પુષ્ટિ તપાસના આધારે જ થઈ શકશે.
વહેલી સવારે 3:45 વાગ્યે ટ્રકની પાછળ અથડાઈ કાર
મળતી માહિતી મુજબ, વહેલી સવારે આશરે 3:45 વાગ્યે ઓગણજથી ભાડજ તરફ જતા એસ.પી. રિંગ રોડ પર ગોકુલ હોટેલના કટ નજીક અર્ટિગા કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ અથડાઈ હતી. કારનો નંબર GJ 1 MT 0928 હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કારચાલક ભગીરથસિંહ ઝાલા પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યા હતા. કટ નજીક કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી.
અશોકભાઈનું ઘટનાસ્થળે મોત, અન્ય ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં
અકસમાતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ 42 વર્ષીય અશોકભાઈ ઢાકરેને મૃત જાહેર કર્યા હતા. અશોકભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતને પગલે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.



