જિયો પ્લેટફોર્મ્સનો IPO 21 ઓક્ટોબર 2026ના રોજ ખુલવાની શક્યતા છે. બીજી તરફ, ગ્રે માર્કેટમાં પણ IPOને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇન્વેસ્ટર્સ ગેઇનના અહેવાલ મુજબ જિયોના IPOનું GMP વધીને ₹151ના સ્તરે પહોંચી ગયું છે.
જોકે, IPOની તારીખ, પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો અંગે કંપની તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી હાલમાં સામે આવેલી તમામ તારીખો અને આંકડાઓને સંભવિત માનવામાં આવી રહ્યા છે.
વિદેશોમાં જિયોના રોડ શો
અહેવાલ અનુસાર જિયો પ્લેટફોર્મ્સે IPO પહેલાં અમેરિકા, યુકે, દુબઈ, સિંગાપોર અને હોંગકોંગમાં રોડ શો કર્યા છે. આ રોડ શોની આગેવાની આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
કેટલું હોઈ શકે જિયો IPOનું કદ?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળની ટેલિકોમ કંપનીના IPOનું કદ ₹27,800 કરોડથી ₹37,000 કરોડ વચ્ચે હોઈ શકે છે. અહેવાલો અનુસાર આ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ હશે અને કંપની લગભગ 27 કરોડ નવા શેર જાહેર કરી શકે છે.
શું હોઈ શકે પ્રાઇસ બેન્ડ?
જિયો IPOની સંભવિત પ્રાઇસ બેન્ડ ₹1,350થી ₹1,450 પ્રતિ શેર હોઈ શકે છે. જો આ પ્રાઇસ બેન્ડ પર IPO આવે તો લિસ્ટિંગ બાદ કંપનીનું મૂલ્યાંકન અંદાજે ₹12.40 લાખ કરોડથી ₹13.40 લાખ કરોડ વચ્ચે થઈ શકે છે. કંપનીનું લક્ષ્ય ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં શેરબજારમાં લિસ્ટ થવાનું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.



