FSSAIએ દેશની જાણીતી મસાલા કંપની ‘એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ ના પ્રી-પેક્ડ જીરા પાવડરના એક ખાસ બેચને બજાર અને સપ્લાય ચેઈનમાંથી તાત્કાલિક અસરથી પાછો ખેંચવા માટે કાનૂની આદેશ જારી કર્યો છે.
આ ઉપરાંત, ગ્રાહકોના સ્વાસ્થ્ય સંબંધિત નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ અન્ય એક કેસમાં કાર્યવાહી કરીને FSSAI એ ‘મેસર્સ ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ પ્રાઇવેટ લિમિટેડ’નું લાયસન્સ પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે.
ગોવાના રિસોર્ટમાંથી લેવાયેલા સેમ્પલમાં કીટનાશકોનું જોખમી પ્રમાણ મળ્યું
આ સમગ્ર મામલાની શરૂઆત ગોવા ખાતે આવેલા ‘મેસર્સ રિવરસાઈડ રિસોર્ટ્સ એન્ડ હોલિડે હોમ્સ પ્રાઈવેટ લિમિટેડ’ના પરિસરમાંથી લેવામાં આવેલા એવરેસ્ટ જીરા પાવડરના રૂટિન સેમ્પલથી થઈ હતી.
ફૂડ એનાલિસ્ટના લેબોરેટરી ટેસ્ટિંગ રિપોર્ટમાં જીરા પાવડરની અંદર ‘એઝોક્સીસ્ટ્રોબિન’ અને ‘થિયામેથોક્સમ’ નામના બે અત્યંત જોખમી પેસ્ટિસાઈડ્સના અવશેષો નક્કી કરેલી મહત્તમ મર્યાદા કરતાં ઘણા વધારે મળી આવ્યા હતા.

રેફરલ લેબોરેટરીએ પણ સેમ્પલને અસુરક્ષિત ગણાવ્યું
ફૂડ એનાલિસ્ટ દ્વારા સેમ્પલને ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ-2006’ હેઠળ અસુરક્ષિત જાહેર કર્યા બાદ કંપનીને કાયદાકીય જોગવાઈ મુજબ આ રિપોર્ટને પડકારવાની તક આપવામાં આવી હતી.
અપીલ પ્રક્રિયા હેઠળ આ સેમ્પલને સેન્ટ્રલ ‘રેફરલ ફૂડ લેબોરેટરી’ ખાતે પુનઃ ચકાસણી માટે મોકલવામાં આવ્યું હતું. જોકે, રેફરલ લેબે પણ પ્રથમ રિપોર્ટને સમર્થન આપતાં સ્પષ્ટ કર્યું હતું કે સેમ્પલમાં બંને કીટનાશકોનું પ્રમાણ નિર્ધારિત સુરક્ષા માનકો કરતાં વધુ છે અને આ જીરા પાવડર સ્વાસ્થ્ય માટે અસુરક્ષિત છે.
બેચ નંબર E080668761ને બજારમાંથી તાત્કાલિક પાછો ખેંચવા નિર્દેશ
લેબોરેટરી રિપોર્ટની પુષ્ટિ થયા બાદ FSSAIએ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સને પ્રી-પેક્ડ જીરા પાવડરના અસરગ્રસ્ત બેચ નંબર E080668761ને તમામ દુકાનો, ગોડાઉનો અને માર્કેટમાંથી તાત્કાલિક સંગ્રહિત કરી પાછો ખેંચવા નિર્દેશ આપ્યો છે.
કંપનીને પાછા મંગાવાયેલા સ્ટોકનો સંપૂર્ણ હિસાબ રાખવા, ચોક્કસ સમયમર્યાદામાં રીકોલ સ્ટેટસ રિપોર્ટ સુપ્રત કરવા અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે ટેક્નિકલ સુધારાત્મક પગલાં ભરી તેનો રિપોર્ટ પણ સબમિટ કરવા કડક સૂચના આપવામાં આવી છે.
ક્રિએટિવ બેકર્સમાં ગંદકી, માખીઓ અને વાસી માલનો અંબાર મળ્યો
બીજી તરફ, FSSAIની ટીમે જ્યારે ‘મેસર્સ ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ’ ના ફૂડ પ્રોડક્શન યુનિટની તપાસ કરી ત્યારે ત્યાં સ્વચ્છતા અને હાઈજીનના ગંભીર ઉલ્લંઘનો જોવા મળ્યા હતા. ફૂડ પ્રોડક્શન અને હેન્ડલિંગ એરિયામાં ભારે ગંદકી, ગ્રીસ, ધૂળ, કરોળિયાના જાળાં અને માખીઓનો ઉપદ્રવ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત નાશવંત કાચો માલ ખુલ્લામાં રખાયો હતો તેમજ કાચા અને અર્ધ-તૈયાર સામાન માટે કાટ લાગેલા વાસણોનો ઉપયોગ થઈ રહ્યો હતો. બેકરી પરિસરમાં કચરો, વાસી સ્ટોક, રિજેક્ટેડ માલ અને કબાડનો ઢગલો હતો તથા જરૂરી ફૂડ સેફ્ટી રેકોર્ડ્સ પણ ગાયબ હતા, જેના કારણે તેનું લાયસન્સ તાત્કાલિક રદ્દ કરી તમામ કામગીરી અટકાવી દેવાઈ છે.
કીટનાશકોની સ્વાસ્થ્ય પર અસર અને ગ્રાહકો માટે સલાહ
ખાદ્ય પદાર્થોમાં ‘એઝોક્સીસ્ટ્રોબિન’ (ફંગસનાશક) અને ‘થિયામેથોક્સમ’ (કીટકનાશક) જેવા કેમિકલ્સનું વધુ પ્રમાણ લાંબા ગાળે પાચનતંત્ર, લીવર અને કિડની પર વિપરીત અસર કરી શકે છે.
ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ જ્યારે કોઈ પ્રોડક્ટમાં વિષયુક્ત તત્વો કે કેમિકલ્સ મર્યાદાથી વધુ મળે ત્યારે તેને ‘અનસેફ’ જાહેર કરી ‘ફૂડ રીકોલ’ પ્રોટોકોલ લાગુ કરાય છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે જો તેમના ઘર કે રસોડામાં એવરેસ્ટ જીરા પાવડરનો E080668761 બેચ નંબર ધરાવતો પેક હોય તો તેનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવો જોઈએ.



