![]()
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ની વધતી માંગ અને ચિપ બનાવતા શેરોમાં ઝડપી વૃદ્ધિની અસર
અમદાવાદ : તાજેતરના વર્ષોમાં ભારતનું શેરબજાર વિશ્વના સૌથી લોકપ્રિય બજારોમાંનું એક માનવામાં આવે છે. જોકે, આ વર્ષે ચિત્ર કંઈક અંશે બદલાયું હોય તેવું લાગે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ની વધતી માંગ અને ચિપ બનાવતા શેરોમાં ઝડપી વૃદ્ધિને કારણે, દક્ષિણ કોરિયાએ માર્કેટ કેપમાં ભારતીય શેરબજારને પાછળ છોડી દીધું છે. જેના પગલે દક્ષિણ કોરિયાનું શેરબજાર વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેરબજાર બન્યું છે.
દક્ષિણ કોરિયાનું શેરબજાર ભારતને પાછળ છોડીને મૂલ્યની દ્રષ્ટિએ વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઇક્વિટી બજાર બન્યું છે. ગયા અઠવાડિયે, તાઇવાન ભારતને પાછળ છોડીને પાંચમું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. એક અઠવાડિયામાં, ભારત છઠ્ઠા ક્રમેથી ઘટીને સાતમા ક્રમે આવી ગયું છે. દક્ષિણ કોરિયા અને તાઇવાન બંનેના કિસ્સામાં, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રની તેજીથી લાભ મેળવી રહેલા સેમિકન્ડક્ટર જાયન્ટ્સ કંપનીઓનાં શક્તિશાળી ઉછાળાને કારણે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.
ઉપલબ્ધ ડેટા મુજબ, દક્ષિણ કોરિયામાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આ વર્ષે ૮૬ ટકા વધીને ૫ ટ્રિલિયન ડોલર થયું છે. બીજી તરફ, ભારતનું માર્કેટ કેપ ઘટીને ૪.૮ ટ્રિલિયન ડોલર થયું છે. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને એસકે હાયનિક્સ જેવી કંપનીઓએ દક્ષિણ કોરિયાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ બે કંપનીઓ હવે પસંદગીની કંપનીઓના જૂથમાં જોડાઈ ગઈ છે જેમનું સંયુક્ત બજાર મૂલ્ય ૧ ટ્રિલિયન ડોલર ક્લબ સુધી પહોંચી ગયું છે.
દક્ષિણ કોરિયાના શેરબજારને ફક્ત એઆઈથી ફાયદો થયો નથી. ત્યાંના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગની કોર્પોરેટ સુધારા યોજનાઓએ પણ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયાના મુખ્ય સ્ટોક ઇન્ડેક્સ, કોસ્પીએ આ વર્ષે રાષ્ટ્રપતિના ૫,૦૦૦ પોઈન્ટના લક્ષ્યને વટાવી દીધો છે. હવે, કેટલાક વોલ સ્ટ્રીટ વિશ્લેષકો ૧૦,૦૦૦-માર્કની આગાહી કરી રહ્યા છે.
જોકે, દરેક જણ આ તેજી અંગે સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા નથી. વિશ્લેષકોના મતે આ વર્ષની તેજીનો મોટો ભાગ મેમરી ચિપ બિઝનેસની મજબૂતાઈથી આવ્યો છે, જેમાં સેમસંગ અને એસકે હાયનિક્સ બજારને ઉંચુ ખેંચી રહ્યા છે. કે જો દક્ષિણ કોરિયા લાંબા ગાળા માટે આ નવા મૂલ્યાંકનને જાળવી રાખવા માંગે છે, તો તેણે કોર્પોરેટ ગવર્નન્સ સુધારાઓ અમલમાં મૂકવા પડશે.અહેવાલ મુજબ, ભારતીય બજાર અનેક પરિબળોને કારણે દબાણ હેઠળ છે. નબળો રૂપિયો, વિદેશી રોકાણકારો દ્વારા રેકોર્ડ વેચાણ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સીધી રીતે સંકળાયેલી મોટી કંપનીઓના અભાવે ભારતીય શેરબજારના વિકાસને અસર કરી છે. વધુમાં, વધતી જતી ઊર્જા કિંમતોએ ફુગાવા અંગે ચિંતા વધારી છે અને આર્થિક વૃદ્ધિની ગતિ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
આના કારણે વિદેશી રોકાણકારોએ આ વર્ષે ભારતીય ઇક્વિટીમાંથી લગભગ ૨૬ બિલિયન ડોલર પાછા ખેંચી લીધા છે. પરિણામે, આ વર્ષે અત્યાર સુધીમાં ભારતનો મુખ્ય સ્ટોક ઇન્ડેક્સ લગભગ ૧૧% ઘટયો છે. જો આ વલણ ચાલુ રહેશે, તો ભારતીય બજાર એક દાયકામાં તેનો પ્રથમ વાર્ષિક ઘટાડો નોંધાવી શકે છે.
ભારતનું અર્થતંત્ર દક્ષિણ કોરિયા કરતા ઘણું આગળ
શેરબજારના માર્કેટ કેપ ના સંદર્ભમાં દક્ષિણ કોરિયા ભારતથી આગળ નીકળી ગયું હોવા છતાં, ભારત નોંધપાત્ર રીતે મોટું રહે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના અંદાજ મુજબ, ભારતનું અર્થતંત્ર આશરે ૪.૧૫ ટ્રિલિયન ડોલરનું છે, જ્યારે દક્ષિણ કોરિયાનું ૧.૯૩ ટ્રિલિયન ડોલરનું છે.
Mcapની દ્રષ્ટિએ વિશ્વના ટોચના દશ શેરબજાર
ક્રમ | દેશ |
૧. | અમેરિકા |
૨. | ચીન |
૩. | જાપાન |
૪. | હોંગકોંગ |
૫.ે | તાઈવાન |
૬. | દ.કોરિયા |
૭. | ભારત |
૮. | કેનેડા |
૯. | યુ.કે. |
૧૦. | ફ્રાન્સ |


Leave a Comment