મુંબઈની આ ગંભીર સ્થિતિને કાબૂમાં લાવવા માટે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા 28 મુદ્દાની અત્યંત કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શહેરમાં ચાલી રહેલા બાંધકામ સ્થળો પર નિયમોનું પાલન થાય તે માટે 76 વિશેષ સ્ક્વોડની ટીમ તૈનાત કરવામાં આવી છે.
તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સને ફરજિયાતપણે ગ્રીન નેટથી ઢાંકવી અને ધૂળને ઉડતી અટકાવવા માટે સતત પાણીનો છંટકાવ કરવો અનિવાર્ય બનાવવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાં જમીની સ્તરે કેટલા અસરકારક સાબિત થાય છે અને નાગરિકોને કેટલી રાહત આપે છે તે આગામી સમય જ કહેશે.
અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં AQI 235ને પાર
મુંબઈની જેમ ગુજરાતનું મહાનગર અમદાવાદ પણ વાયુ પ્રદૂષણની ચપેટમાં આવી ગયું છે. અમદાવાદમાં સરેરાશ AQI 110 થી 186 વચ્ચે નોંધાઈ રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે ‘ખરાબ’ શ્રેણી ગણાય છે.
શહેરના ઔદ્યોગિક વિસ્તારો જેવા કે જીઆઈડીસી જ્યાસપુરમાં તો પ્રદૂષણનો આંકડો વધીને 235 સુધી પહોંચી ગયો છે, જે અત્યંત અસ્વસ્થ અને જોખમી સ્થિતિ દર્શાવે છે. રસ્તાઓની ધૂળ, સતત વધતો વાહનોનો ટ્રાફિક, તહેવારોની ભીડભાડ અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતો ધુમાડો અમદાવાદની હવાને સતત ઝેરી બનાવી રહ્યા છે.
શ્વાસના દર્દીઓ, બાળકો અને વૃદ્ધો માટે આરોગ્ય વિભાગની સલાહ
હવાની આ બગડેલી ગુણવત્તાને કારણે તબીબો અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને શ્વાસની બીમારીથી પીડિત દર્દીઓ, અસ્થમાના રોગીઓ, વયોવૃદ્ધો અને નાના બાળકોએ બપોર પછી કે સાંજ-સવારના સમયે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક અવશ્ય પહેરવો જોઈએ.
જ્યાં સુધી વાતાવરણ સુધરે નહીં ત્યાં સુધી ખુલ્લા વાતાવરણમાં લાંબો સમય કસરત કરવાનું કે દોડવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં અને સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર ન પડે.



