Madhya Pradesh: મધ્ય પ્રદેશમાંથી એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં 3 દીકરીઓ સાથે 32 વર્ષીય માતાએ જંતુનાશક દવા ગટગટાવી જતા ચારેયના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ એક પોલીસ અધિકારીએ એક સમાચાર એજન્સીને આપી છે. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શહડોલ જિલ્લા મુખ્યાલયથી લગભગ 125 કિલોમીટર દૂર બ્યોહારી વિસ્તારમાં પપોંધ પોલીસ સ્ટેશન હેઠળના હિરવાર ગામમાં બની છે.
મોટી દીકરીએ પાડોશીઓને ઝેર ગટગટાવ્યું હોવાની જાણકારી આપી હતી
પપોંધ સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) બ્રૃજેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, અનિતા સિંહ (32)એ શનિવારે રાત્રે પોતે જંતુનાશક દવા પીધા પહેલા પોતાની ત્રણેય દીકરીઓને પણ જંતુનાશક દવા પીવડાવી દીધી હતી. આ ઝેર પીધા બાદ તરત જ રિતિકા (4) અને કૃષ્ણાકુમારી (2)નું મોત થઈ ગયું. જ્યારે ત્રીજી દીકરીનું સારવાર દરમિયાન મોત થયું.
SHOએ જણાવ્યું કે, ડૉક્ટર્સે મહિલા અને તેની બે નાની દીકરીઓને હોસ્પિટલ પહોંચતાની સાથે જ મૃત જાહેર કરી દીધી હતી, જ્યારે અર્પિતાનું રવિવારે મૃત્યુ થયું હતું. સૌથી મોટી દીકરીએ પાડોશીઓને જણાવ્યું હતું કે તેની માતાએ બાળકોને જંતુનાશક દવા આપી હતી. આ સાથે જ બાળકીએ પાડોશીઓને એ પણ જણાવ્યું હતું કે અમને ઝેર આપ્યા બાદ માતાએ ઘરમાં રહેલા દસ્તાવેજો, કપડાં, તસવીરો અને અનાજમાં આગ ચાંપી દીધી હતી.
સાસરિયાઓથી અલગ રહેતી હતી મહિલા
મિશ્રાએ કહ્યું કે, છોકરી એ ન જણાવી શકી કે, તેમની માતાએ આવું પગલું કેમ ભર્યું. પોલીસે ઘટનાસ્થળેથી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનું પેકેટ જપ્ત કર્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અનિતા પોતાના બાળકો સાથે પોતાના સાસરિયાઓથી અલગ રહેતી હતી. તેનો પતિ જે ડ્રાઈવર છે જે હૈદરાબાદ ગયો હતો અને ઘટના સમયે ઘરે નહોતો.
પોલીસે જણાવ્યું હતું કે, અમે મહિલાના સંબંધીઓના નિવેદનો નોંધી રહ્યા છે અને આ મામલે એક કેસ નોંધી લેવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે. મહિલાના પતિને પણ જાણ કરી દેવામાં આવી છે.


Leave a Comment