LPG cylinder news india : ભારત પણ આ વૈશ્વિક તણાવથી અલિપ્ત નથી, જેને કારણે દેશમાં ઈંધણ અને ગેસના પુરવઠા પર માઠી અસર પડી રહી છે. આ કટોકટીની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવા સમાચાર વાયરલ થયા હતા કે, સરકાર હવે 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરમાં માત્ર 10 કિલોગ્રામ ગેસ ભરીને આપશે. આ અફવાએ સામાન્ય જનતામાં ભારે ગભરાટ ફેલાવ્યો હતો, જેના પર આજે સોમવાર, 23 માર્ચના રોજ પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે.
પેટ્રોલિયમ મંત્રાલયની સ્પષ્ટતા
પેટ્રોલિયમ મંત્રાલયે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 14.2 કિલોના સિલિન્ડરમાં વજન ઘટાડીને 10 કિલો કરવાની વાત પાયાવિહોણી છે. મંત્રાલયે જનતાને અપીલ કરતા કહ્યું કે, “14.2 કિલોના સિલિન્ડરમાં ગેસ ઘટાડવાના સમાચાર માત્ર એક અફવા છે.
ગ્રાહકોને અગાઉની જેમ જ સંપૂર્ણ ભરેલા સિલિન્ડર મળતા રહેશે.” મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ નાગરિકોને ગેસનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે, પરંતુ સપ્લાયમાં કોઈ કાપ મુકવામાં આવ્યો હોવાની વાતને નકારી કાઢી છે.
શા માટે ફેલાઈ રહી છે આવી અફવાઓ?
હકીકતમાં, હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ બાધિત થવાને કારણે ભારતની ઉર્જા સુરક્ષા પર ગંભીર જોખમ ઉભું થયું છે. ભારત પોતાની જરૂરિયાતનો અંદાજે 60% LPG આયાત કરે છે, જેમાંથી 90% પુરવઠો ખાડી દેશોમાંથી આવે છે. હાલમાં ભારતના છ જેટલા LPG ટેન્કરો પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે.
ગયા અઠવાડિયે માત્ર 92,700 ટન ગેસ ભારત આવ્યો હતો, જે દેશની માત્ર એક જ દિવસની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો છે. આ ગંભીર અછતને મેનેજ કરવા માટે ઓઇલ કંપનીઓ (OMCs) 10 કિલો ગેસ ભરીને વધુ પરિવારો સુધી પહોંચાડવાની વ્યૂહરચના પર વિચારણા કરી રહી હોવાના અહેવાલો વહેતા થયા હતા, જેને પગલે લોકોમાં ફાળ પડી હતી.


Leave a Comment