આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મહિલા પોલીસ બનશે PM મોદીનું સુરક્ષા કવચ
International Women's Day Special Gujarat Women Police PM Modi Security

Gujarat Women Police PM Modi Security: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મહિલા પોલીસ દેશ માટે નવી મિશાલ બનશે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રે સફળતાના સોપાન સર કરી રહી છે ત્યારે વિશ્વ મહિલા દિવસે ગુજરાત પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી ગુજરાત મહિલા પોલીસ સંભાળશે. 2 હજારથી વધુ મહિલા પોલીસ કર્મીઓ પીએમ મોદીનું સુરક્ષા કવચ બનશે.
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું કે, 8મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ મહિલાઓ સહભાગી થવાની છે ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્રને માત્ર મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ સંભાળશે. આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પોલીસિંગ અને લૉ એન્ડ ઓર્ડર ક્ષેત્રે માઇલ સ્ટોન સ્ટેપ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોજનાર આ કાર્યક્રમમાં મહિલા શક્તિ ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાની મહત્વની જવાબદારીઓ સુપેરે નિભાવી રહ્યા છે તે અંગેનો ખૂબ મોટો સંદેશો આપશે.
ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી રહેશે. કાર્યક્રમની વ્યવસ્થા અને સમગ્ર બંદોબસ્ત માટે 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડી.વાય.એસ.પી., 5 મહિલા એસ.પી., એક મહિલા ડી.આઇ.જી. અને એક મહિલા અધિક પોલીસ મહાનિદેશક તૈનાત રહેશે.