મારું ગુજરાત

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ: ન્યાય વ્યવસ્થામાં ગુજરાત 4થા ક્રમેથી 11મા ક્રમે સરક્યું

by

Thenewsdk

Updated: 09-02-2026, 05.03 AM

Follow us:

પોલીસ, ન્યાયપાલિકા, જેલ વ્યવસ્થા અને કાનૂની સહાય જેવા ન્યાય તંત્રના આધારસ્તંભો પર આધારિત ‘ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ’માં ગુજરાતની ન્યાય વ્યવસ્થાની કાર્યક્ષમતા અંગે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. આ રિપોર્ટ મુજબ ગુજરાત ન્યાયિક કામગીરીના કુલ રેન્કિંગમાં 11મા ક્રમે સરક્યું છે,

જ્યારે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યો ગુજરાત કરતાં વધુ કાર્યક્ષમ ન્યાય વ્યવસ્થા ધરાવતા હોવાનું જણાયું છે. અહેવાલ ગુજરાત સરકારના સુશાસનના દાવાઓ પર પ્રશ્નાર્થ ઉભો કરે છે. ખાસ કરીને ગરીબ અને ગ્રામ્ય નાગરિકોને ન્યાય મેળવવામાં થતી અડચણો પર રિપોર્ટે ગંભીર ટિપ્પણી કરી છે.

કાનૂની સહાય માટે ફાળવાયેલા બજેટનો પૂરતો ઉપયોગ થતો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની ક્લિનિક્સ અને પેરાલિગલ વોલન્ટિયરોની સંખ્યા ઘટી રહી છે, જેના કારણે નબળા વર્ગોને ન્યાય સુધી પહોંચવા માટે લાંબી લડત લડવી પડે છે.

અદાલતોના 31.1 ટકા ન્યાયાધીશોના પદો ખાલી

ન્યાયપાલિકાની સ્થિતિ પણ ચિંતાજનક છે. રિપોર્ટ મુજબ, ગુજરાત ન્યાયપાલિકાના રેન્કિંગમાં 14મા ક્રમે છે. રાજ્યમાં હાઈકોર્ટના 38.5 ટકા અને નીચલી અદાલતોના 31.1 ટકા ન્યાયાધીશોના પદો ખાલી છે. પરિણામે, એક હાઈકોર્ટ ન્યાયાધીશ પર સરેરાશ ચાર હજારથી વધુ કેસોનો ભાર છે. ન્યાયાધીશોની અછતને કારણે કેસોના નિકાલમાં વિલંબ હવે વ્યવસ્થાગત સમસ્યા બની ગઈ છે.

જેલ વ્યવસ્થાની સ્થિતિ પણ સુધારાની માંગ કરે છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતની જેલો 100 ટકાથી વધુ ભરાઈ ગઈ છે. જેલોમાં 26.2 ટકા કેદીઓ અન્ડરટ્રાયલ છે, જેમાંથી ઘણા વર્ષો સુધી કેસ વિના જેલમાં બંધ રહે છે. આ પરિસ્થિતિ માનવ અધિકારના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

રાજ્ય માનવ અધિકાર આયોગની કામગીરી પણ રિપોર્ટમાં નબળી ગણાવવામાં આવી છે. આયોગમાં સ્ટાફની 50 ટકા અને તપાસ અધિકારીઓની 35 ટકા જગ્યાઓ ખાલી છે, જેના કારણે ગુજરાત આ શ્રેણીમાં 20મા ક્રમે, એટલે કે તળિયે પહોંચ્યું છે.

ગુજરાત જસ્ટિસ ઇન્ડિયા રિપોર્ટમાં ચોથા ક્રમે

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ગુજરાત ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ચોથા ક્રમે હતું, જે વર્ષ 2025માં ઘટીને સીધું 11મા ક્રમે પહોંચ્યું છે. આ માત્ર રેન્કિંગમાં ઘટાડો નહીં, પરંતુ ન્યાય વ્યવસ્થામાં માનવ સંસાધન, આયોજન અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવની સ્પષ્ટ નિશાની હોવાનું નિષ્ણાતો માને છે.

આ મુદ્દે કોંગ્રેસે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પક્ષે માંગ કરી છે કે પોલીસ તંત્ર, ન્યાયપાલિકા અને માનવ અધિકાર આયોગમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે, કાનૂની સહાય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવે અને દરેક નાગરિકને સરળ, ઝડપી અને ન્યાયસંગત ન્યાય મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.