Banaskantha : ભાભરના રૂણી ગામ ખાતે ચૌધરી સમાજની બેઠક પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી. બેઠકમાં દીકરીને પરત લાવવાની માંગ સાથે વ્યક્ત કરાયેલા આક્રોશની સીધી અસર ઉણ ગામમાં જોવા મળી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો હથિયારો અને લાકડીઓ સાથે ગામમાં પહોંચી ગયા હતા. આ દરમિયાન હિંસક ટોળાએ આશરે 20થી 25 જેટલી કારોમાં તોડફોડ કરી હતી, જેમાં વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.

ઘટનાના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વાવ, થરાદ સહિતના વિસ્તારોમાંથી પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યો હતો. તણાવ વધતા પોલીસને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. સાથે જ કેટલાક સ્થળોએ પથ્થરમારો થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. અથડામણ બાદ ઉણ ગામમાં અંજપાભરી શાંતિ છે, પરંતુ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. લોકોમાં હજુ પણ ભય અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, પ્રેમ લગ્ન મુદ્દે ભાભરમાં બેઠક યોજાઈ હતી, જેમાંથી મોટા ભાગના લોકો છૂટા પડી ગયા હતા. જોકે, કેટલાક લોકો સીધા જ ઉણ ગામ પહોંચ્યા હતા, જ્યાં કોઈ પક્ષના સભ્યો હાજર નહોતા, માત્ર યુવતીની અંપગ માતા રહેતી હતી. ત્યાં જઈને દીકરીને પરત સોંપવાની માંગ ઉઠાવવામાં આવી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી ગઈ હતી. આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિમાં કિંજલ રબારીના પ્રેમ લગ્નનો કેસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

અગાઉ આ મુદ્દે બંને સમાજ વચ્ચે સમાધાન થયું હતું, પરંતુ ત્યારબાદ ભાભરના એક અન્ય કેસને લઈને ફરી વિવાદ ભભૂકી ઉઠ્યો છે. ચૌધરી સમાજે જાહેર કર્યું છે કે તેઓ આગામી એક અઠવાડિયામાં દીકરીને પરત લાવશે, નહીં તો વધુ આક્રમક વ્યૂહરચના અપનાવવામાં આવશે. બીજી તરફ યુવતીએ સોશિયલ મીડિયા દ્વારા શાંતિ જાળવવાની અપીલ કરી છે.

આ સમગ્ર ઘટનાએ સમાજિક તણાવ અને કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલમાં પોલીસ દ્વારા સ્થિતિને નિયંત્રણમાં રાખવા સતત પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.




Leave a Comment