Jamnagar : જામનગરની ભાગોળે રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ગુજરાત ગેસ પંપ નજીક એક કાર અચાનક ખાડામાં ખાબકી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ કારચાલક અને તેમનો પરિવાર વાહનમાં સીએનજી ભરાવ્યા બાદ પંપ પરથી આગળ વધી રહ્યો હતો, ત્યારે અચાનક કારનો કાબૂ ગુમાવતાં વાહન રસ્તા કિનારે આવેલા ખાડામાં ખાબક્યું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે એકત્ર થયા હતા.
ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું નથી. જોકે કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજી સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં માર્ગ સુરક્ષા અને રસ્તા કિનારે ખુલ્લા ખાડાઓ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.


Leave a Comment