મારું ગુજરાત

તું મારી સાથે કેમ વાત કરતી નથી?, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર છરીના ઘા ઝીંક્યા

by

Thenewsdk

Updated: 22-01-2026, 01.32 PM

Follow us:

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત તત્વોમાં પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ સ્થિતિ વણસી રહી છે. માત્ર 8 દિવસમાં છરીબાજીની ત્રીજી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. તાજી ઘટનામાં રામ-રહીમના ટેકરા પાસે આવેલી એક બેકરીમાં યુવતી પર જાહેરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

બહેરામપુરાની રસુલ કડીયાની ચાલીમાં રહેતી તમન્ના શેખ પિયર આવી હતી. રાત્રે તે પોતાની માસીના ઘરે જવા નીકળેલી ત્યારે રસ્તામાં રાજા બેકરીમાં બન લેવા ઊભી રહી હતી. એ દરમિયાન રહીમ ઉર્ફે નોમાન લતીફ શેખ ત્યાં પહોંચ્યો અને “તું મારી સાથે વાત કેમ નથી કરતી? એકલી કેમ ફરે છે?” કહી ઝઘડો શરૂ કર્યો હતો. યુવતીએ વાત કરવાની મનાઈ કરી ફોન કાઢતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો.

આરોપીએ પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરીથી યુવતી પર એક પછી એક ચાર ઘા ઝીંક્યા. હુમલામાં યુવતીના બંને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી અને તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડી. સમગ્ર ઘટના બેકરીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં આરોપીની ક્રૂરતા સ્પષ્ટ દેખાય છે. લોકો ભેગા થતાં આરોપી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

તપાસમાં ખુલ્યું છે કે રહીમ ઉર્ફે નોમાન વિસ્તારનો માથાભારે શખ્સ છે. અગાઉ પણ તેણે તમન્નાના સંબંધીઓ પર તલવારથી હુમલો કર્યો હતો, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. છતાં પોલીસની કડક કાર્યવાહી ન થતા આરોપી નિર્ભય બની ફરીવાર હુમલો કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

એક અઠવાડિયામાં ત્રણ છરીબાજીની ઘટનાઓથી દાણીલીમડા પોલીસની પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમી નેટવર્ક પર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિસ્તારમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી છે. સ્થાનિકોની માંગ છે કે આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવે જેથી વિસ્તારમાં કાયદાનો ડર ફરી સ્થાપિત થાય.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.