લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

ખાલી સીટો, મોંઘી ટિકિટો અને માર્ગો પર હોબાળો… ફિફાના દાવાની પોલ ખૂલી ગઈ | fifa world cup 2026 opening day controversies empty seats shakira protests

by

Thenewsdk

Updated: 12-06-2026, 04.50 PM

Follow us:

ખાલી સીટો, મોંઘી ટિકિટો અને માર્ગો પર હોબાળો… ફિફાના દાવાની પોલ ખૂલી ગઈ | fifa world cup 2026 opening day controversies empty seats shakira protests



photo 1781260637740

FIFA Empty Seat Controversy: ફિફા(FIFA) વર્લ્ડ કપ 2026ની શરૂઆત જેટલી ભવ્ય અને રોમાંચક થવાની અપેક્ષા રાખવામાં આવી હતી, ટૂર્નામેન્ટ તેના પહેલા જ દિવસે તેટલી જ ઝડપથી વિવાદો અને ગંભીર પ્રશ્નોના ઘેરાવામાં આવી ગઈ છે. એક તરફ મેક્સિકો સિટીના ઐતિહાસિક એઝટેકા સ્ટેડિયમમાં રંગારંગ ઉદ્ઘાટન સમારોહ અને યજમાન મેક્સિકોની જીતનો જશ્ન જોવા મળ્યો, તો બીજી તરફ સ્ટેડિયમોમાં ખાલી બેઠકો, ટિકિટોના આસમાને પહોંચેલા ભાવ અને રસ્તાઓ પર થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ફિફા મેનેજમેન્ટ માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે.

દક્ષિણ કોરિયા-ચેકિયાની મેચમાં જોવા મળી ખાલી બેઠકો

ટૂર્નામેન્ટની બીજી મેચમાં જ્યારે દક્ષિણ કોરિયા અને ચેકિયાની ટીમો ગ્વાડાલાહારામાં આમને-સામને હતી, ત્યારે સ્ટેડિયમનો નજારો ચોંકાવનારો હતો. ટીવી પ્રસારણ દરમિયાન સ્ટેડિયમના અનેક મહત્ત્વના ભાગો, ખાસ કરીને VIP સેક્શનમાં મોટી સંખ્યામાં બેઠકો સાવ ખાલી જોવા મળી હતી.

જોકે, સ્ટેડિયમ સંચાલકોએ એવો દાવો કર્યો હતો કે 45,664ની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં 44,985 દર્શકો હાજર હતા. ફિફાએ પણ સત્તાવાર રીતે માત્ર 700 જેટલી બેઠકો ખાલી હોવાનું જણાવ્યું હતું, પરંતુ ટીવી સ્ક્રીન પર દેખાતા વીડિયો દૃશ્યોમાં સ્ટેડિયમ ઘણું વધારે ખાલી હોવાનું સ્પષ્ટ જણાતું હતું. આ મેચમાં દક્ષિણ કોરિયાએ ચેકિયાને 2-1થી હરાવ્યું હોવા છતાં, ફૂટબોલ જગતમાં ચર્ચા મેચ કરતાં વધુ ખાલી બેઠકો અંગે થઈ રહી છે.

ફિફાના ટિકિટ વેચાણના મોટા-મોટા દાવાઓ પર ઉઠ્યા સવાલ

ફિફા પ્રમુખ જિયાની ઇન્ફાન્ટિનોએ એપ્રિલ મહિનામાં દાવો કર્યો હતો કે આ ટૂર્નામેન્ટ માટે વૈશ્વિક સ્તરે 50 કરોડ ટિકિટ રિક્વેસ્ટ મળી હતી, જે અગાઉના બે વર્લ્ડ કપની કુલ માંગ કરતાં લગભગ 10 ગણી વધુ હતી. જોકે ગ્રાઉન્ડ રિયાલિટી તદ્દન જુદી જ જોવા મળી રહી છે. ફિફાને દર્શકો ખેંચવા માટે અનેક મેચોની ટિકિટના ભાવ રાતોરાત ઘટાડવા પડ્યા છે જેથી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં વધુ લોકો સ્ટેડિયમ સુધી પહોંચી શકે.

દરિયાપારના ફેન્સ સતત ફરિયાદ કરી રહ્યા છે કે સામાન્ય કે ઓછી લોકપ્રિય ગ્રૂપ મેચોની ટિકિટો પણ 300 ડૉલર(આશરે ₹25,000થી વધુ)ની કિંમતે વેચાઈ રહી છે. ફિફાના સત્તાવાર રીસેલ પોર્ટલ પર હજુ પણ હજારો ટિકિટો વેચાયા વિનાની પડી છે. લોસ એન્જેલસમાં યોજાનારી અમેરિકા અને પરાગ્વેની મેચની પણ તમામ ટિકિટો હજુ સુધી વેચાઈ શકી નથી.

ઉદ્ઘાટન મેચ રહી ‘ફૂલ હાઉસ’, શકીરાના ડાન્સે મંત્રમુગ્ધ કર્યા

આ તમામ વિવાદો વચ્ચે મેક્સિકો સિટીના એઝટેકા સ્ટેડિયમમાં યોજાયેલી પ્રથમ ઉદ્ઘાટન મેચમાં દર્શકોનો જબરદસ્ત પ્રવાહ જોવા મળ્યો હતો. 83,264ની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ પ્રશંસકોથી સંપૂર્ણ રીતે ખીચોખીચ ભરાઈ ગયું હતું, જ્યાં મેક્સિકોએ દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું હતું.

આ ઓપનિંગ સેરેમનીનું સૌથી મોટું આકર્ષણ ગ્લોબલ પોપ સ્ટાર શકીરા રહી હતી. તેમણે પ્રખ્યાત આર્ટિસ્ટ બર્ના બોય સાથે ફિફા 2026ના સત્તાવાર ગીત ‘Dai Dai’ પર ધમાકેદાર લાઇવ પરફોર્મન્સ આપ્યું હતું. શકીરાએ નીઓન યેલો કલરના શાનદાર બોડીસૂટમાં પોતાના સિગ્નેચર ડાન્સ મૂવ્સથી સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોને ઝૂમવા પર મજબૂર કરી દીધા હતા. આ સમારોહમાં જે બાલ્વિન, ડેની ઓશન અને બેલિન્ડા જેવા દિગ્ગજ કલાકારોએ પણ પ્રસ્તુતિ આપી હતી, જ્યારે મેક્સિકન અભિનેત્રી સલમા હાયેકે ટૂર્નામેન્ટનું સત્તાવાર ઉદ્ઘાટન જાહેર કર્યું હતું.

મેચ શરૂ થતાં પહેલાં જ રસ્તાઓ પર હિંસક વિરોધ પ્રદર્શન

વર્લ્ડ કપના પહેલા જ દિવસે સૌથી મોટો વિવાદ સ્ટેડિયમની બહાર જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં સ્થાનિક પ્રદર્શનકારીઓ મેક્સિકો સિટીની સડકો પર ઉતરી આવ્યા હતા. તેઓ દેશમાં ગુમ થયેલા નાગરિકોના કેસો, શ્રમિકોની ખરાબ સ્થિતિ અને માનવાધિકારના મુદ્દાઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ નોંધાવી રહ્યા હતા.

ઘણી જગ્યાએ પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં પ્રદર્શનકારીઓ દ્વારા પેટ્રોલ બોમ્બ અને ઈંટો ફેંકવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. એકસાથે 8 અલગ-અલગ સંગઠનો (જેમાં શિક્ષકો અને ન્યાયિક કર્મચારીઓ સામેલ હતા) એ મોરચો માંડ્યો હતો. રાષ્ટ્રીય રજિસ્ટર અનુસાર, મેક્સિકોમાં હાલમાં 1,34,460 લોકો ગુમ થયેલા છે, જેને માનવાધિકાર સંગઠનોએ મુખ્ય મુદ્દો બનાવ્યો છે.

ફેન ઝોનમાં અવ્યવસ્થા અને અમેરિકામાં બ્રોડકાસ્ટિંગ વિવાદ

મેક્સિકો સિટીના ઐતિહાસિક ઝોકાલો પ્લાઝામાં ઊભા કરાયેલા ‘ફેન ફેસ્ટ ઝોન’માં મફત પ્રવેશ હોવાને કારણે હજારો ફૂટબોલ પ્રેમીઓ એકસાથે ધસી આવ્યા હતા. સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે સુરક્ષા દળોએ એન્ટ્રી ગેટ બંધ કરવા પડ્યા. આ દરમિયાન રોષે ભરાયેલી ભીડે પોલીસ પર પાણીની બોટલો ફેંકીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

બીજી તરફ, અમેરિકામાં આ મેચના લાઇવ ટેલિકાસ્ટને લઈને પણ ભારે હોબાળો થયો છે. ટૂર્નામેન્ટના સત્તાવાર બ્રોડકાસ્ટર FOXએ લાઇવ કવરેજ દરમિયાન શકીરાના ઓપનિંગ પરફોર્મન્સને લાઇવ બતાવવાને બદલે સ્ટુડિયો એનાલિસિસ બતાવવાનું ચાલુ રાખ્યું હતું. જેનાથી અમેરિકન દર્શકો સોશિયલ મીડિયા પર ભારે નારાજ થયા હતા, જ્યારે સ્પેનિશ ભાષાના ચેનલ Telemundoએ આખી સેરેમની લાઇવ બતાવી હતી.

આ પણ વાંચો: ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ઓપનિંગ મેચમાં ગોલ કરતાં વધુ રેડ કાર્ડ અપાયા

ફિફા માટે આગળનો રસ્તો મુશ્કેલ?

વર્લ્ડ કપ 2026નો પહેલો જ દિવસ ફિફા માટે મિશ્ર આંચકા સમાન રહ્યો છે. ભવ્ય ઓપનિંગ અને મેક્સિકોની જીતે ઉત્સાહ તો વધાર્યો છે, પરંતુ ખાલી બેઠકો, ટિકિટના અસહ્ય ભાવો અને આંતરિક સુરક્ષાના વિરોધ પ્રદર્શનોએ ટૂર્નામેન્ટની વૈશ્વિક છબીને મોટો પડકાર ફેંક્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ફિફા આ ખામીઓને કેવી રીતે સુધારે છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤