![]()
Hardik Pandya Silent On Krunal Pandya IPL 2026 Win : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ આઇપીએલ 2026 (IPL 2026) ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (GT) ને હરાવીને સતત બીજી વખત ઇતિહાસ રચી દીધો છે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં બેંગલુરુએ આ રોમાંચક ફાઇનલ 5 વિકેટે જીતીને કરોડો ચાહકોને ખુશ કરી દીધા છે. એક તરફ જ્યાં આખી દુનિયા આ જીતની ઉજવણી કરી રહી છે, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર એક અલગ જ ચર્ચાએ જોર પકડ્યું છે. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા કૃણાલ પંડ્યાના ભાઈ હાર્દિક પંડ્યાએ તેના માટે સોશિયલ મીડિયા પર એક પણ પોસ્ટ શેર કરી નથી, જેના કારણે ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે.
હાર્દિકની ચુપકીદી બાદ અટકળોનો દોર શરૂ
આરસીબીની જીત બાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ વહી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે હાર્દિક પંડ્યા તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતા ફેન્સ પૂછી રહ્યા છે કે, શું બંને ભાઈઓ વચ્ચે બધું બરાબર છે કે નહીં? જો કે, આ ચર્ચાઓ અંગે હજી સુધી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. રસપ્રદ વાત એ છે કે, આ પહેલા પણ બંને ભાઈઓના સંબંધોમાં ખટાશ આવવાની અફવાઓ ઉડી ચૂકી છે, પરંતુ બાદમાં તે અહેવાલો નકારી કાઢવામાં આવ્યા હતા. કૃણાલ ભૂતકાળમાં પણ જાહેરમાં હાર્દિકનું સમર્થન કરી ચૂક્યો છે, અને તેમની વચ્ચેના વિવાદની ક્યારેય પુષ્ટિ થઈ નથી.
ગયા વર્ષે હાર્દિકની આંખોમાં આવ્યા હતા આંસુ
RCBને સતત બીજી વખત આઇપીએલ ટ્રોફી જીતાડવામાં કૃણાલ પંડ્યાનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. જીત બાદ તેની ઉજવણીના ફોટા અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે, કારણ કે ગયા વર્ષે એટલે કે 2025 માં જ્યારે RCB એ તેનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું, ત્યારે હાર્દિક પંડ્યાએ તેના ભાઈ કૃણાલ માટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી. ત્યારે હાર્દિકે ભાવુક થઈને લખ્યું હતું કે, ‘આ સમયે મારી આંખોમાં આંસુ છે, ભાઈ તારા પર ગર્વ છે.’
જોકે હાલમાં, માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવાના આધારે કોઈ અંતિમ નિર્ણય પર પહોંચવું ઉતાવળ ગણાશે. જ્યાં સુધી બંને ભાઈઓ અથવા તેમના નજીકના લોકો તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવે ત્યાં સુધી આ વાતોને માત્ર અટકળો જ માની શકાય છે.


Leave a Comment