MI vs DC હાઇલાઇટ્સ: મુંબઈ ઇન્ડિયન્સે પ્લેઓફમાં પ્રવેશ કર્યો, દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવ્યું

IPL 2025 ની 63મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જે મુંબઈ ઈન્ડિયન્સે 59 રનથી જીતી લીધી અને ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ. સૂર્યકુમાર યાદવની અડધી સદીની મદદથી MI એ DC માટે 181 રનનો મુશ્કેલ લક્ષ્યાંક મૂક્યો. જેના જવાબમાં દિલ્હી ૧૮.૨ ઓવરમાં માત્ર ૧૨૧ રન બનાવી શક્યું અને ઓલઆઉટ થઈ ગયું.
મુંબઈની જીતના હીરો સૂર્યકુમાર યાદવ, બુમરાહ અને સેન્ટનર હતા. સૂર્યાએ 43 બોલમાં 73 રન બનાવ્યા. મિશેલ સેન્ટનરે 4 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે બુમરાહે પણ 12 રન આપીને 3 વિકેટ લીધી.
દિલ્હી કેપિટલ્સ ટીમ કેએલ રાહુલ પર નિર્ભર હતી અને આ ખેલાડી મુંબઈ સામે નિષ્ફળ ગયો. રાહુલે 6 બોલમાં 11 રન બનાવ્યા અને બોલ્ટના બોલ પર આઉટ થયો. આ પછી ફાફ ડુ પ્લેસિસ અને અભિષેક પોરેલે પણ 6-6 રન બનાવ્યા. સમીર રિઝવીએ 39 રન બનાવ્યા જ્યારે વિપરાજ નિગમે પણ 20 રન બનાવ્યા.
IPL 2025 ના અંતિમ ટેબલની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સ 13 મેચમાં 8 જીત સાથે ચોથા સ્થાને છે. આ ટીમ પાસે હજુ એક મેચ બાકી છે. મુંબઈ તેની આગામી મેચ 26 મેના રોજ પંજાબ સામે રમશે. આ મેચ જયપુરમાં રમાશે. મુંબઈનું લક્ષ્ય કોઈપણ કિંમતે ટોપ 2 માં સ્થાન મેળવવાનું રહેશે, આ માટે સારા પ્રદર્શન ઉપરાંત નસીબનો પણ સાથ જરૂરી રહેશે.