રાજસ્થાન રોયલ્સનો વિવાદ લંડન હાઈકોર્ટ સુધી પહોંચ્યો, ટીમના માલિકે રાજ કુન્દ્રા પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો

ફ્રેન્ચાઇઝ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો વિવાદ હવે લંડન હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ટીમના માલિક મનોજ બડાલેએ તેમના ભૂતપૂર્વ સાથી રાજ કુન્દ્રા પર બ્લેકમેઇલિંગનો આરોપ લગાવ્યો છે. બડાલેએ રાજ કુન્દ્રા પર 2019ના ગોપનીયતા કરારનો ભંગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. મનોજ બડાલે લંડન સ્થિત કંપની ઇમર્જિંગ મીડિયા વેન્ચર્સના વડા છે અને રાજસ્થાન રોયલ્સમાં તેમનો 65 ટકા હિસ્સો છે. એટલે કે, આ ફ્રેન્ચાઇઝીમાં તેમનો સૌથી મોટો હિસ્સો છે.
શું છે રાજસ્થાન રોયલ્સનો આ આખો વિવાદ?
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનો અગાઉ રાજસ્થાન રોયલ્સમાં 11.7 ટકા હિસ્સો હતો. પરંતુ 2015માં, આઈપીએલ સટ્ટાબાજીમાં દોષિત જાહેર થયા બાદ તેમને પોતાનો હિસ્સો ગુમાવવો પડ્યો. આ કારણે રાજસ્થાન રોયલ્સને પણ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
કુન્દ્રાએ ભારતીય અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવી
ગયા મહિને રાજ કુન્દ્રાએ મનોજ બડાલેને એક ઈમેલ મોકલ્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને તેમના 11.7 ટકા હિસ્સાની સાચી કિંમતનો ઇનકાર કરવામાં આવ્યો હતો. બડાલેને મોકલવામાં આવેલા ઈમેલમાં જણાવાયું છે કે કુન્દ્રાએ ભારતીય અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવી છે, અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને રિપોર્ટ કરવાની ધમકી પણ આપી છે. જોકે, રાજ કુંદ્રાએ કહ્યું કે તેઓ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝમાં મૂળ અને વર્તમાન હિસ્સાને પ્રતિબિંબિત કરતા વળતરની પુનઃસ્થાપના સંબંધિત સોદા પર ચર્ચા કરવા તૈયાર છે. કોર્ટના દસ્તાવેજો જણાવે છે કે રાજ કુંદ્રાએ ભૂતપૂર્વ IPL કમિશનર લલિત મોદીને પણ સંદેશ મોકલ્યો હતો. સંદેશમાં લખ્યું હતું કે, ‘બડાલેને ખ્યાલ નહોતો કે મારી સાથે છેતરપિંડી કરવાથી તેમને કેટલી કિંમત ચૂકવવી પડશે.’
રાજ કુન્દ્રા વિરુદ્ધ વચગાળાનો કોર્ટનો આદેશ
ઇમર્જિંગ મીડિયા વેન્ચર્સે 30 મેના રોજ રાજ કુન્દ્રા વિરુદ્ધ વચગાળાનો કોર્ટનો આદેશ મેળવ્યો હતો, જેથી કુન્દ્રા કોઈ વાંધાજનક કે બદનક્ષીભર્યા નિવેદનો ન કરે. રાજ કુન્દ્રાના વકીલે સ્વીકાર્યું કે આ આદેશ ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહી શકે છે, પરંતુ તે પુષ્ટિ કરતું નથી કે તેમણે કંઈ ખોટું કર્યું છે.
IPL 2025માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન
ઇન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી સીઝનમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન બહુ સારું નહોતું. આ ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી. રાજસ્થાન રોયલ્સે 14 માંથી ફક્ત 4 મેચ જીતી હતી. રાજસ્થાને 2008માં IPLની પહેલી સીઝન જીતી હતી, પરંતુ તે પછી તેનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી અને તે બીજા IPL ટાઇટલની શોધમાં છે.