ગુજરાતમાં અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર ઈંધણની અછત જોવા મળી રહી છે, જેના કારણે વાહનોની લાંબી કતાર લાગી છે અને લોકોએ મુશ્કેલી અનુભવવી પડી રહી છે. અહેવાલો અનુસાર, મધ્યપૂર્વમાં ચાલી રહેલી યુદ્ધ પ્રક્રિયાના કારણે ક્રુડ ઓઈલની સપ્લાય પર અસર પડી છે.
આ સ્થિતિએ રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને દેવભૂમિ દ્વારકામાં ઘણા પેટ્રોલ પંપ પર ‘સ્ટોક ખત્મ’ જેવા બોર્ડ જોવા મળ્યા છે. સપ્લાય ઘટી જતા અને પેમેન્ટ પ્રક્રિયામાં વિલંબ થતા જનતા પરેશાન બની છે.
Amdabad અને વડોદરાની સ્થિતિ
અમદાવાદમાં કેટલીક જગ્યા પર લાંબી લાઈનો જોવા મળી છે. અનેક લોકો એવા પણ હતા જેઓ કહે છે કે પેટ્રોલ ઉપલબ્ધ છે, પરંતુ સમયસર ડિલિવરી ન થતાં સ્ટોક ખતમ થઈ રહ્યો છે. શહેરની અંદર લગભગ દસ જેટલા પેટ્રોલ પંપ પર ઈંધણની ડિલિવરીમાં વિલંબ છે, જેના કારણે ટેમ્પરરી રીતે પંપ બંધ રાખવાના પગલાં લેવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને કારણે લોકોએ કેટલાક પંપ પર લાંબી કતાર લગાવી. પેટ્રોલ પંપ પર આશ્રમ રોડ ખાતે કાર ચાલકની લાંબી લાઈનો લાગી હતી અને જોતજોતાંમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂર્ણ થઈ જતાં ‘સ્ટોક નથી’ ના પાટિયા જોવા મળ્યા હતા. લોકોમાં આ બાબતે એક પ્રકારનો ગભરાટ જોવા મળી રહ્યો છે.
જોકે સરકારનો દાવો છે કે ગભરાવાની કોઈ જરૂર નથી પણ જેમ દૂધનો દાઝ્યો છાશ પણ ફુંકીને પીવે તેમ લોકો ચીજ વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. વડોદરામાં પણ કેટલાક ખાનગી પંપો પર ઈંધણ પૂરતું ન હોવાથી વાહનચાલકો સરકારી પંપ તરફ વળ્યા છે. આ કારણે ત્યાં ‘પેનિક બાઈંગ’ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઓઈલ કંપનીઓએ સપ્લાયમાં અચાનક ઘટાડો કર્યો
સુરતમાં ઓઈલ કંપનીઓએ સપ્લાયમાં અચાનક ઘટાડો કર્યો છે. અગાઉ દિવસમાં ત્રણ ગાડીઓ આવતી હતી, પરંતુ હાલમાં માત્ર એક કે બે જ ગાડીઓ પહોંચતી હોય છે. ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર્સને ડાયરેક્ટ કંપની પાસેથી મળતા ઓઇલમાં 12 રૂપિયાનો વધારો થતા, હવે રિટેલ પેટ્રોલ પંપથી મોટા પાયે ખરીદી કરી રહ્યા છે. આ પ્રક્રિયા સામાન્ય વાહનચાલકો માટે સ્ટોકની અછત વધારવાનું કારણ બની છે.
રાજકોટમાં અફવાઓ અને ભીડ
રાજકોટ શહેરમાં પણ કેટલાક પંપ પર લાંબી લાઈનો જોવા મળી હતી. સ્થાનિક પેટ્રોલ પંપ એસોસિયેશને જણાવ્યું કે શહેરમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ પાડોશના પંપ બંધ થવાના કારણે લોકોમાં અફવા ફેલાઈ ગઈ. આ અફવાઓને કારણે પંપો પર ભીડ વધી હતી.
આ સ્થિતિમાં જાહેર જનતાને સલાહ આપવામાં આવી રહી છે કે તે ફક્ત પોતાના જરૂરીયાત પ્રમાણે જ ઈંધણ ભરે અને અફવાઓ પર વિશ્વાસ ન કરે. રાજ્યમાં સત્તાવાર રીતે સપ્લાય નિયમિત છે, અને સમયસર ડિલિવરી થતા તમામ પંપો ખૂલશે.
હોર્મુઝ સ્ટ્રેટ અંગે પીએમ મોદીએ શું કહ્યું?
હોર્મુઝ સ્ટ્રેટ અંગે પીએમ મોદીએ કહ્યું કે, આ જળમાર્ગનું આંતરરાષ્ટ્રીય મહત્વ અત્યંત ઊંચું છે અને તેમાં અવરજવરને અડચણ પહોંચાડવી સ્વીકાર્ય નથી. હોર્મુઝ મારફતે ભારતની મોટાભાગનું ક્રૂડ ઓઇલ, ગેસ અને ખાતર આયાત થઈ રહ્યા છે,
જેના કારણે આ માર્ગમાં વિઘ્ન ઊભો થવો ભારત માટે ગંભીર પડકાર છે. હાલની પરિસ્થિતિમાં, ભલે જહાજોની અવરજવર મુશ્કેલ બની ગઈ હોય, સરકારે રાજદ્વારી અને વ્યવસ્થિત પ્રયાસો દ્વારા ફસાયેલા ભારતીય જહાજોને સુરક્ષિત બહાર કઢાવ્યા છે.
પીએમ મોદીએ ખાતરી આપી કે પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવી આવશ્યક સેવાઓ પર આ તણાવની અસર નહીં પડે અને દેશમાં જરૂરી પુરવઠા નિશ્ચિત રાખવા માટે સરકાર સતત કાર્યરત છે. ખાસ કરીને, ભારતની જરૂરિયાતનો લગભગ 60% એલપીઝી આયાત પરથી આવતો હોવાથી, સ્થાનિક ઉત્પાદન વધારવા અને ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકાયો છે.


Leave a Comment