Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજે વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. કર્મચારી સંગઠન દ્વારા કુલ 25 જેટલા મુદ્દાઓને આવરી લેતી રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રમુખ વિરેન્દ્ર.જે.દવેની આગેવાનીમાં મહામંડળની મુખ્ય માંગણીઓમાં કર્મચારીઓને વેતન ધોરણનો લાભ આપવો અને જૂની પેન્શન યોજના (ઓલ્ડ પેન્શન સ્કીમ)નો લાભ પુનઃ શરૂ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ગ-1થી વર્ગ-4 સુધીના ફિલ્ડ કામગીરી કરતા અધિકારી અને કર્મચારીઓને મળતા પેટ્રોલ એલાઉન્સમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે.
કર્મચારી મહામંડળે વડોદરા ગ્રાહક કોર્ટના એવોર્ડના આધારે કર્મચારીઓને કાયમી કરવામાં આવતા હોય તે એવોર્ડને રદ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રાહક કોર્ટમાં કરવામાં આવેલી અરજી પાછી ખેંચવાની પણ માંગ ઉઠાવી છે.
તાજેતરમાં કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકવાની તૈયારી દર્શાવવામાં આવેલી એઆઈ આધારિત હાજરી પ્રણાલીનો પણ કર્મચારી મહામંડળે વિરોધ નોંધાવ્યો છે. સંગઠનના જણાવ્યા મુજબ આ પદ્ધતિના કારણે ખાસ કરીને ફિલ્ડમાં કામગીરી કરતા કર્મચારીઓને અનેક વ્યવહારુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી એઆઈ સિસ્ટમ દ્વારા હાજરી નોંધાવવાની વ્યવસ્થા અમલમાં ન મુકવાની માંગ કરવામાં આવી છે. કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.


Leave a Comment