Bangladesh bus accident : બાંગ્લાદેશના રાજબાડી જિલ્લામાં બુધવારે સાંજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક મુસાફર ભરેલી બસ પદ્મા નદીમાં ખાબકતા અત્યાર સુધીમાં 23 લોકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે.
આ ભયાનક અકસ્માત ત્યારે થયો જ્યારે બસ ફેરી પર ચઢી રહી હતી અને ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બસમાં આશરે 40 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી 11 લોકો તરીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે અન્ય લોકો પાણીના ઊંડા પ્રવાહમાં ફસાઈ ગયા હતા.
દુર્ઘટનાની વિગતો મુજબ, આ અકસ્માત રાજબાડી જિલ્લાના દાઉલાદિયા ટર્મિનલ પર બન્યો હતો. બાંગ્લાદેશમાં વિશાળ નદીઓ ઓળંગવા માટે બસો અને અન્ય વાહનોને ફેરી (મોટી બોટ) પર ચઢાવીને સામે કાંઠે લઈ જવામાં આવે છે.
બુધવારે સાંજે જ્યારે આ બસ ફેરી પર ચઢવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે અચાનક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું અને આખી બસ પદ્મા નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ. શરૂઆતમાં માત્ર બે લોકોના મોતની આશંકા હતી, પરંતુ જેમ જેમ બચાવ કામગીરી આગળ વધી તેમ તેમ મૃત્યુઆંક વધતો ગયો.
ઘટનાની જાણ થતા જ ફાયર સર્વિસ, કોસ્ટગાર્ડ, સેના અને સ્થાનિક પોલીસની ટીમો બચાવ કાર્યમાં જોડાઈ હતી. મધ્યરાત્રિએ ‘હમઝા’ નામના શક્તિશાળી જહાજની મદદથી અંદાજે 6 કલાકની ભારે જહેમત બાદ બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
બસની અંદરથી 21 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે બે મહિલાઓના મૃતદેહો ડાઇવર્સે અગાઉ જ શોધી કાઢ્યા હતા. હજુ પણ કેટલાક મુસાફરો ગુમ હોવાની આશંકા છે, જેના માટે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
સત્તાવાર માહિતી મુજબ, આ બસ રાજધાની ઢાકા તરફ જઈ રહી હતી. બસમાં સવાર મોટાભાગના મુસાફરો ઈદ-ઉલ-ફિત્રની રજાઓ પોતાના વતનમાં માણીને કામકાજ અર્થે પરત ફરી રહ્યા હતા. આ કમનસીબ મુસાફરોમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધુ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસમાં સવાર ઘણા લોકો એક જ પરિવારના સભ્યો હતા. કેટલાક નસીબદાર મુસાફરો બસ ફેરી પર ચઢતી વખતે બહાર ઉભા હોવાને કારણે બચી ગયા હતા, પરંતુ તેમની નજર સામે જ તેમના પરિવારજનો બસની અંદર ફસાયેલા રહી ગયા અને નદીમાં સમાઈ ગયા.


Leave a Comment