Gir somnath murder case : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામે માનવતાને શરમાવે તેવી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર 12 વીઘા જમીન પચાવી પાડવાની અંધ લાલચમાં બે પિતરાઈ ભાઈઓએ પોતાની જ સગી બહેનને પ્રેમલગ્નની ખોટી લાલચ આપી, મનઘડત કાવતરું રચી તેની હત્યા કરી નાખી છે. ઉના પોલીસે સતત 7 દિવસની સઘન તપાસ અને ટેકનિકલ પુરાવાઓના આધારે આ રહસ્યમય મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચક્યો છે.
મિલકત હડપવા માટે રચાયું ખતરનાક કાવતરું
મૃતક યુવતી મનસુબેન હમાભાઈ ગોહિલ (ઉ.વ. 25) તેના માતા-પિતાના અવસાન બાદ નેસડા ગામે એકલી રહેતી હતી. માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાને કારણે વારસામાં મળેલી કિંમતી 12 વીઘા જમીન તેની માલિકીની હતી. મનસુબેનને ગામના જ અને સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા સતુભાઈ ખસીયા સાથે પ્રેમસંબંધ હતો. મનસુબેનની આ મિલકત પર તેના પિતરાઈ ભાઈઓ વિક્રમ વિરાભાઈ ગોહિલ અને મનુ કનુભાઈ ગોહિલની મેલી નજર હતી. તેમને આ પ્રેમસંબંધ મંજૂર નહોતો કારણ કે જો લગ્ન થાય તો જમીન હાથમાંથી જતી રહે તેમ હતી.
વિશ્વાસઘાત અને લગ્નની ખોટી લાલચ
આરોપી વિક્રમે પોતાની બહેનનો વિશ્વાસ જીતવા માટે એવું નાટક રચ્યું કે તે તેના લગ્ન પ્રેમી સતુ સાથે કરાવી આપશે. આ લાલચમાં આવીને ભોળી બહેને અડધી જમીન પિતરાઈ ભાઈ વિક્રમના નામે પણ કરી આપી હતી. ગત તારીખ 20ના રોજ, વિક્રમે મનસુબેનને જણાવ્યું કે લગ્નની વાત કરવા માટે ઘરે મિટિંગ રાખી છે. રાત્રિના સમયે વિક્રમ તેને બાઈક પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં મનુ અને વિક્રમે ભેગા મળીને મનસુબેનનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા સમયે મનુએ બહેનના હાથ-પગ પકડી રાખ્યા હતા જેથી તે પ્રતિકાર ન કરી શકે.
પુરાવાનો નાશ કરવા સ્મશાનમાં ઉતાવળ
હત્યા કર્યા બાદ પાપ છુપાવવા માટે ભાઈઓએ ‘હાર્ટ એટેક’નું જુઠ્ઠું નાટક રચ્યું હતું. કોઈપણ સગા-સંબંધી કે મોટાભાગના ગ્રામજનોને જાણ કર્યા વગર, ગણતરીના 7-8 લોકોની હાજરીમાં લાશને ટ્રેક્ટરમાં નાખીને નેસડાથી ઉના સ્મશાને લઈ જવામાં આવી હતી. ત્યાં માત્ર અડધા જ કલાકમાં અંતિમ સંસ્કારની વિધિ પતાવી દેવામાં આવી હતી જેથી કોઈને શંકા ન જાય અને પોસ્ટમોર્ટમ જેવી પ્રક્રિયાથી બચી શકાય.


Leave a Comment