Nalanda temple stampede : બિહારના નાલંદા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ચૈત્ર મહિનાના અંતિમ મંગળવારે પ્રસિદ્ધ શીતળા માતા મંદિરમાં પૂજા અર્ચના માટે ઉમટેલી ભારે ભીડ વચ્ચે અચાનક ભાગદોડ મચી જતાં 8 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

દર્શનની ઉતાવળમાં સર્જાઈ અંધાધૂંધી
પ્રાપ્ત વિગતો અનુસાર, ચૈત્ર માસના છેલ્લા મંગળવારનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો શીતળા મંદિરે દર્શન માટે કતારમાં ઉભા હતા. મંદિરમાં ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ અને વહીવટી તંત્રની વ્યવસ્થા અત્યંત અપૂરતી હતી. દરમિયાન, દર્શન કરવાની ઉતાવળમાં કેટલાક ભક્તોએ કતાર તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ધક્કામુક્કી શરૂ થઈ હતી. જોતજોતામાં આ ધક્કામુક્કીએ ભાગદોડનું સ્વરૂપ ધારણ કરી લીધું અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. ચીસાચીસ અને નાસભાગ વચ્ચે અનેક લોકો દબાઈ ગયા હતા.
8 લોકોના મોત, અનેકની હાલત નાજુક
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે એક ડઝનથી વધુ લોકોને બેભાન અને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તબીબોએ 8 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં મહિલાઓ અને વૃદ્ધોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલો પૈકી કેટલાકની હાલત હજુ પણ નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

પોલીસ પ્રશાસન પર ઉઠ્યા ગંભીર સવાલો
આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચૈત્ર મહિનામાં અહીં હજારો લોકો આવે છે, તેમ છતાં સુરક્ષા માટે પૂરતા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા નહોતા. આસ્થાના આટલા મોટા કેન્દ્ર પર વહીવટી તંત્રની આવી નિષ્કાળજી શંકાસ્પદ છે.




Leave a Comment