IPL MATCH 2026 : હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. સિઝનની પ્રથમ મેચ જીતીને સારી શરૂઆત કર્યા બાદ ટીમ લય ગુમાવી બેઠી હોય તેમ લાગે છે. જો મુંબઈને પ્લેઓફની રેસમાં જીવંત રહેવું હોય, તો હવે દરેક મેચમાં જીત અનિવાર્ય બની ગઈ છે.
રોહિત શર્મા આ મેચમાં રમશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ આશા રાખી રહ્યું છે કે ‘હિટમેન’ સમયસર ફિટ થઈ જાય. જો રોહિત ગેરહાજર રહેશે, તો ઓપનિંગ જોડી અને મિડલ ઓર્ડર પર દબાણ અનેકગણું વધી જશે.
બુમરાહની વિકેટ માટેની તરસ અને બોલિંગની નિષ્ફળતા
મુંબઈ ઈન્ડિયન્સની સૌથી નબળી કડી તેમની બોલિંગ સાબિત થઈ રહી છે. ખાસ કરીને પાવરપ્લેમાં ટીમ વિકેટ લેવામાં નિષ્ફળ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે વિશ્વના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર ગણાતા જસપ્રીત બુમરાહ રન રોકવામાં તો સફળ રહ્યા છે,
પરંતુ છેલ્લી ચાર મેચમાં તેમના નામે એક પણ વિકેટ નથી. ટ્રેન્ટ બોલ્ટ અને હાર્દિક પંડ્યા જેવા અનુભવી બોલરો હોવા છતાં, વિરોધી ટીમના બેટ્સમેનો શરૂઆતની ઓવરોમાં આસાનીથી રન બનાવી રહ્યા છે. સ્પિનર મયંક માર્કંડે અને મિચેલ સેન્ટનર પણ પોતાની લેન્થ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે, જેનો ફાયદો બેટ્સમેનો ઉઠાવી રહ્યા છે.
બેટિંગમાં તિલક વર્માનું નબળું ફોર્મ
બેટિંગ વિભાગમાં પણ સ્થિતિ સંતોષજનક નથી. પાવરપ્લેમાં આક્રમક શરૂઆતનો અભાવ મિડલ ઓર્ડર પર ભારણ વધારી રહ્યો છે. સૂર્યકુમાર યાદવે એક ફિફ્ટી ફટકારીને ફોર્મ બતાવ્યું છે, પરંતુ યુવા તિલક વર્મા સતત નિષ્ફળ જઈ રહ્યો છે.
તેની છેલ્લી ચાર ઇનિંગ્સ (20, 00, 14, 01) ટીમ માટે ચિંતાનો વિષય છે. જો મુંબઈએ પંજાબ સામે મોટો સ્કોર કરવો હોય કે મોટો લક્ષ્ય પીછો કરવો હોય, તો તિલક અને મિડલ ઓર્ડરે જવાબદારી પૂર્વક બેટિંગ કરવી પડશે.
પંજાબ કિંગ્સ વિજય રથ પર સવાર
બીજી તરફ, શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં પંજાબ કિંગ્સ આ સિઝનમાં સૌથી ઘાતક ટીમ તરીકે ઉભરી આવી છે. પંજાબના બેટ્સમેનો જે આત્મવિશ્વાસ સાથે રમી રહ્યા છે તે જોતા મુંબઈના બોલરો માટે તેમને રોકવા મુશ્કેલ બનશે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યની જોડીએ પાવરપ્લેમાં જ 93 રન ઝૂડી કાઢ્યા હતા,
જે તેમની તાકાત દર્શાવે છે. કૂપર કોનોલીના આવવાથી ટીમનું સંતુલન વધુ મજબૂત થયું છે. જોકે, પંજાબ માટે ચિંતાનો વિષય અર્શદીપ સિંહનું ફોર્મ છે, જેણે રન વધુ આપ્યા છે અને વિકેટો ઓછી ઝડપી છે. ગુરુવારની આ મેચમાં મુંબઈ પોતાની પ્રતિષ્ઠા બચાવવા મેદાનમાં ઉતરશે, જ્યારે પંજાબ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મજબૂત કરવા ઈચ્છશે. શું હાર્દિકની સેના રોહિત વગર ચમત્કાર કરી શકશે? તે જોવું રસપ્રદ રહેશે.
બંને ટીમોની સંભવિત સ્ક્વોડ:
મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, મિચેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મયંક માર્કંડે, રેયાન રિકલ્ટન, શેરફેન રધરફોર્ડ.
પંજાબ કિંગ્સ: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), નેહલ વાઢેરા, અઝમતુલ્લા ઓમરઝાઈ, કૂપર કોનોલી, માર્કો જેન્સન, મુશીર ખાન, યુઝવેન્દ્ર ચહલ, લોકી ફર્ગ્યુસન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ.




Leave a Comment