FDC Drug Ban India: કેન્દ્ર સરકાર દ્વારા ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન્સ (FDC) એટલે કે બે કે તેથી વધુ દવાના ઘટકો મિક્સ કરીને બનાવવામાં આવતી 16 દવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સરકારે આ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આ નિર્ણય લીધો છે.
પ્રતિબંધિત દવાઓની યાદીમાં મુખ્યત્વે પેઈનકીલર્સ (દુખાવાની દવાઓ), તાવ અને સોજાની દવાઓ, સ્કીન કેર (ચામડીની સંભાળ), ડાયાબિટીસ અને એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે.
16 કોમ્બિનેશન દવાઓ બિનઅસરકારક અને જોખમી
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જુદાં જુદાં કોમ્બિનેશનથી બનાવેલી આ 16 દવાઓ લેવાથી દર્દીઓને વાસ્તવમાં કોઈ તબીબી ફાયદો થતો નથી. ‘ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ’ (DTAB) દ્વારા ગઠિત નિષ્ણાતોની સમિતિએ તપાસમાં શોધી કાઢ્યું છે કે આ દવાઓ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આમાં તાવ, સોજા અને દુખાવા માટે અવારનવાર વપરાતી એસેકલોફેનિક (Aceclofenac), પેરાસિટામોલ (Paracetamol) અને સરેટિયાપેપ્ટાડેઝ (Serratiopeptidase)ના બિનજરૂરી મિશ્રણોનો પણ સમાવેશ થાય છે.
બિનજરૂરી કોમ્બિનેશનથી વધતો ખર્ચ અને આડઅસરો
આધુનિક તબીબી વિજ્ઞાનનો સિદ્ધાંત: દવાના મિશ્રણમાં રહેલા દરેક ઘટકનો ચોક્કસ વૈજ્ઞાનિક હેતુ અને સાબિત થયેલો ફાયદો હોવો જ જોઈએ. વર્ષોથી આવી કેટલીક દવાઓ પૂરતા વૈજ્ઞાનિક પુરાવા વિના બજારમાં વેચાતી હતી. આ બિનજરૂરી કોમ્બિનેશનના કારણે દર્દીઓમાં આડઅસરો (Side effects) જોવા મળે છે, જેના લીધે તેમની સારવારનો ખર્ચ પણ બિનજરૂરી રીતે વધી જાય છે.
સ્કીન કેર પ્રોડક્ટ્સ પર અસર: પ્રતિબંધિત યાદીમાં ત્વચા સંબંધિત ઘણી પ્રોડક્ટ્સ છે, જેમાં એલોવેરા, વિટામિન્સ અને તેલ જેવા ઘટકોનું મિશ્રણ કરવામાં આવતું હતું. આ વસ્તુઓ અલગ-અલગ રીતે સુરક્ષિત હોઈ શકે છે, પરંતુ તેમને એક જ પ્રોડક્ટમાં ભેગી કરવાથી કોઈ વાસ્તવિક વૈજ્ઞાનિક ફાયદો થતો હોવાના પુરાવા નથી.
પ્રિસ્ક્રિપ્શનમાં યોગ્ય દવાઓ આપવા પર ભાર
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો આ નિર્ણય ખૂબ જ પ્રશંસનીય અને વૈજ્ઞાનિક છે. ઉદાહરણ તરીકે ડાયાબિટીસની દવા ગ્લિકાઝાઈડ (Gliclazide) પોતે ખૂબ જ અસરકારક અને સ્થાપિત દવા છે. પરંતુ તેની સાથે ક્રોમિયમ પિકોલીનેટ (Chromium Picolinate)નું મિશ્રણ કરવાથી કોઈ વધારાનો તબીબી ફાયદો થતો નથી. આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા (International Guidelines) પણ આ કોમ્બિનેશનને માન્યતા આપતી નથી.
બે અલગ-અલગ દવાને માત્ર એક જ ગોળીમાં ભેગી કરવા પાછળ જો કોઈ તબીબી તર્ક ન હોય, તો તેનો પ્રતિબંધ યોગ્ય જ છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે દર્દીઓને પ્રિસ્ક્રિપ્શનમાં માત્ર વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી, અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત દવાઓ જ મળી રહે.


Leave a Comment