– દિલ્હી થી નેપાળ સુધીનો પ્રવાસ અર્ધો થઈ જશે
– શામલી-ગોરખપુર એક્સપ્રેસ વે બનતાં દિલ્હી-એનસીઆરથી નેપાળ સુધી પહોંચતા માત્ર આઠ કલાકનો જ સમય જશે
નવી દિલ્હી : વર્તમાન સમયમાં દિલ્હી અને એનસીઆરથી સડક દ્વારા નેપાળ પહોંચવું ઘણું થકાઉ અને લાંબી સફર બની રહેલ છે. પરંતુ ટૂંક સમયમાં જ એક મહત્વની પરિયોજના સમગ્ર પરિસ્થિતિ પલટાવી દે તેમ છે. આગામી શામલી- ગોરખપુર એક્સપ્રેસ વે બનતાં દિલ્હી-એનસીઆરથી નેપાળ સુધી પહોંચતા માત્ર આઠ કલાક જ લાગશે.
આ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે સાંકડી ગલીઓ અને સ્થાનિક શહેરોના ભારે ટ્રાફિક જામ એક તરફ રાખી આગળ વધશે.
નવા એક્સપ્રેસ વે ઉપર દિલ્હી કે પાણીપતથી વાહન ચાલકો શામલી પાસેથી ચઢી જઈ શકશે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) ઝડપથી તે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહેલ છે. બિજનૌર અને પીલભીત સહીત કેટલાએ શહેરો અને ગામોની પાસે જમીન અધિગ્રહણ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. તેમજ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ઉપર પણ રોક મુકવામાં આવી છે.
આ મહાપરિયોજનાના નિર્માણ કાર્યમાં ગતિશીલતા લાવવા માટે એનએચએઆઈએ પ્રોજેકટને બે સમર્પિત જૂથમાં વહેંચી નાખ્યો છે. એક ટીમ પશ્ચિમના ૩૪૮ કિ.મી.નું કામ કરશે જ્યારે બીજી ટીમ પૂર્વના બાકીના ભાગમાં કામ શરૂ કરશે. શરૂઆતમાં આ એક્સપ્રેસ વે ૪ લેનનો બનાવાશે પછી તે છ કે આઠ લેન સુધી પહોળો કરાશે. આ પ્રોજેક્ટ ૨૦૩૦ સુધીમાં પુરો કરવાનો છે.
આ હાઈવે ૧૮ જિલ્લાઓમાંથી પસાર થશે અને મુઝફ્ફરનગર બરેલી તથા ગોરખપુર જેવા શહેરો પાસેથી પસાર થશે પરંતુ શહેરોમાં તો નહીં જ જાય.
આ હાઇવે શરૂ થતાં માલવાહક ટ્રકો, બસો, મોટરોને લાંબા સમય સુધી અત્યારે ફસાઈ રહેવું પડે છે તેમ ફસાઇ રહેવું પડશે નહીં.
આ હાઈવેને પશ્ચિમ બંગાળના સીલીગુડી સુધી લંબાવવાની પરિયોજના છે. જે ઉત્તર અને પૂર્વ ભારતને અખંડ હાઈસ્પીડ કોરીડોર સાથે જોડી દેશે.


Leave a Comment