Ahmedabad Cyber Crime: અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ લોકોને છેતરવા માટે હવે એક વેદનશીલ અને નવી જ મોડસ ઓપરેન્ડી અજમાવી છે, જેને જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. જેલમાં બંધ કેદીઓના પરિવારોની લાચારી અને અપેક્ષાઓનો ફાયદો ઉઠાવીને આ ગઠિયાઓ નાણાં પડાવી રહ્યા છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા એક કેદીના પેરોલ મંજૂર થઈ ગયા હોવાનું કહીને માધવપુરાના એક સામાન્ય પરિવાર પાસેથી ઓનલાઈન 45,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. માધવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યા કેસના આરોપીના પેરોલ મંજૂર કરાવવાના નામે ખેલ ખેલાયો
મળતી માહિતી અનુસાર, માધવપુરામાં ઇદગાહ સર્કલ પાસે આવેલી ટેકરાવાળી ચાલીમાં સુરેશ પટણી પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પિતરાઈ ભાઈ અનિલ અને રાહુલ નિકોલ વિસ્તારમાં થયેલા એક હત્યાના ગુનામાં પકડાયા હતા. આ કેસમાં રાહુલને જામીન મળી ગયા હતા, જ્યારે અનિલ હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. પરિવારે અનિલને જેલમાંથી બહાર લાવવા માટે પેરોલ (રજા) માટે અરજી કરી હતી. સાયબર ઠગોએ પરિવારની આ જ સ્થિતિનો ગેરફાયદો ઉઠાવ્યો હતો.
‘જેલમાંથી બોલું છું’ કહીને હિન્દીભાષી શખસે ફોન કર્યો
થોડા દિવસો પહેલાં સુરેશભાઈના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનાર હિન્દીભાષી શખસે પોતે સાબરમતી જેલનો અધિકારી બોલતો હોવાની ખોટી ઓળખ આપી પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. ઠગે સુરેશભાઈને જણાવ્યું કે, ‘અનિલના 15 દિવસના પેરોલ મંજૂર થઈ ગયા છે, અને કોર્ટની કાગળિયાની પ્રક્રિયા માટે તાત્કાલિક 15,000 રૂપિયા ઓનલાઈન જમા કરાવવા પડશે.’
જ્યારે સુરેશભાઈએ જેલ પર રૂબરૂ આવીને રોકડા પૈસા આપવાની વાત કરી, ત્યારે સાયબર ગઠિયાએ ડર બતાવ્યો કે, ‘જો અત્યારે ને અત્યારે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર નહીં કરો તો પેરોલ ઓર્ડર કેન્સલ થઈ જશે અને અનિલ બહાર આવી શકશે નહીં.’ ભાઈ જેલમાંથી બહાર આવી જશે તે આશા અને પેરોલ રદ થવાના ડરથી સુરેશભાઈ અને તેમના ફોઈના દીકરા અજયે ગઠિયાના કહેવા મુજબ અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી કટકે-કટકે કુલ 45,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના ગાંજા સાથે મુસાફરની ધરપકડ, ટ્રોલી બેગમાંથી 19 પેકેટ જપ્ત
પૈસા પડાવ્યા બાદ મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો
પરિવાર પાસેથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લીધા બાદ પણ ગઠિયાની લાલચ વધી હતી. તેણે વકીલની ફી અને કોર્ટના અન્ય ખર્ચના બહાને વધુ નાણાંની માંગણી શરૂ કરી હતી. જોકે, સુરેશભાઈને શંકા જતાં તેમણે વધુ પૈસા આપવાની ના પાડી, જેથી ગઠિયાએ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભોગ બનનારે તાત્કાલિક માધવપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી
માધવપુરા પોલીસે આર્થિક ફટકાનો ભોગ બનેલા ગરીબ પરિવારની ફરિયાદના આધારે આઈટી એક્ટ અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. પોલીસે જે નંબર પરથી કોલ આવ્યો હતો તેનું કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR), લોકેશન અને જે બેંક ખાતામાં ઓનલાઈન નાણાં જમા થયા છે તેની વિગતો મેળવીને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે જેલ કે કોર્ટના નામે આવા કોઈ પણ ઓનલાઈન નાણાં માંગતા ફોન કોલ્સથી સાવધ રહેવું.


Leave a Comment