![]()
IND vs AFG: ભારતીય ક્રિકેટ ટીમ હવે 6 જૂનથી અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ મેચમાં ટકરાશે. આ ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાઈકલનો ભાગ નથી, પરંતુ આગામી સિરીઝ અને મોટી મેચોને ધ્યાનમાં રાખતા આ મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે શુક્રવારે કહ્યું કે, સાઈ સુદર્શનને ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવાની યોગ્ય તક નથી મળી. આ સાથે જ તેમણે સંકેત આપ્યો કે અફઘાનિસ્તાન સામે શનિવારથી અહીં શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચમાં દેવદત્ત પડિક્કલના સ્થાને આ ડાબોડી બેટ્સમેનને પ્રાથમિકતા આપવામાં આવશે.
સાઈ સુદર્શનને યોગ્ય તક મળવી જોઈએ
ગંભીરે એ પણ કહ્યું કે, ટીમ ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસ માટે ચાર સ્પિનરોને તૈયાર કરશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ ટેસ્ટ મેચ વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નથી પરંતુ આગામી સિરીઝને જોતાં ટીમ મેનેજમેન્ટ તૈયાર કરવાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. ગંભીરે કહ્યું કે, ‘સાઈ સુદર્શનને યોગ્ય તક મળી નથી. તેમણે મોટાભાગની મેચો ઇંગ્લેન્ડમાં રમી છે અને મને લાગે છે કે તેમને યોગ્ય તક મળવી જોઈએ.’
ટીમ સિલેક્શન પર શું બોલ્યા ગંભીર
ગંભીરે કહ્યું કે, અમે 11 (ખેલાડીઓ)ની પસંદગી કરી શકીએ છીએ અને સાઈ ખરાબ ફોર્મમાં નથી. તેણે આઈપીએલમાં 700થી વધુ રન બનાવ્યા છે. જો અમે સાઈનું મૂલ્યાંકન ચાર-પાંચ મેચોના આધારે કરીશું, તો કોઈ ચોક્કસ અભિપ્રાય નહીં બાંધી શકીએ. ડાબોડી સ્પિનરના એક સ્થાન માટે માનવ સુથાર અને હર્ષ દુબે વચ્ચે સ્પર્ધા છે અને ગંભીરે કહ્યું કે, ભારતે ઓગસ્ટમાં શ્રીલંકા સામે રમાનારી બે ટેસ્ટ મેચની સિરીઝ માટે સ્પિન બોલિંગના ઘણા વિકલ્પો તૈયાર કરવા પડશે.
ગંભીરે આગળ કહ્યું કે, ‘માનવ અને હર્ષ અમુક અંશે એકસરખા ખેલાડીઓ છે, પરંતુ તેમની બોલિંગ કરવાની શૈલીમાં થોડો તફાવત પણ છે. આ મેચથી અમને અમારો ચોથો સ્પિનર તૈયાર કરવામાં મદદ મળશે, કારણ કે અમે શ્રીલંકા પ્રવાસ પર ચાર સ્પિનરોને લઈને જઈશું. જ્યારે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરીશું ત્યારે અમારે અલગ રીતે તૈયારી કરવી પડશે. અમારું માનવું છે કે અમારે ટેસ્ટ મેચો માટે વધુ સારી તૈયારી કરવાની જરૂર છે.’
રિષભ પંત અંગે શું કહ્યું?
ટેસ્ટ વાઈસ-કેપ્ટનના પદ પરથી રિષભ પંતને હટાવવાના સંદર્ભમાં ગંભીરે કહ્યું કે, ‘આ બેટ્સમેનને મારું સમર્થન છે પરંતુ તેણે મેચની પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવાની જરૂર છે. અમે રિષભ પંતની રમવાની શૈલીમાં કોઈ ફેરફાર કરવા નથી માગતા, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીઓ માટે મેચની પરિસ્થિતિઓનું સન્માન કરવું જરૂરી હોય છે.’



Leave a Comment