![]()
Ollie Robinson Dhurandhar Comeback: ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સને લોર્ડ્સ ટેસ્ટના પહેલા જ દિવસે ન્યૂઝીલેન્ડ સામે જાદુઈ બોલિંગ કરીને તરખાટ મચાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી 2 વર્ષ કરતાં વધુ સમય દૂર રહ્યા બાદ વાપસી કરી રહેલા રોબિન્સને પોતાની પહેલી જ ઓવરમાં કીવી ટીમને બેકફુટ પર ધકેલી દીધી હતી. તેણે આ ઓવરમાં 3 વિકેટ ઝડપીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. રોબિન્સને પહેલા દિવસે માત્ર 6 ઓવરમાં 10 રન આપીને 4 મહત્ત્વની વિકેટો ઝડપી અને ઇંગ્લેન્ડની મેચમાં શાનદાર વાપસી કરાવી છે.
ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની બીજી અને રોબિન્સનની વ્યક્તિગત પહેલી ઓવરમાં બોલ સોંપ્યો હતો. રોબિન્સને જ્યારે બોલ હાથમાં લીધો ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ ઓવરમાં કોઈ મોટો ચમત્કાર થવાનો છે.
એક જ ઓવરમાં ખેરવી નાખી 3 વિકેટ
રોબિન્સને પોતાની ઓવરના પ્રારંભિક બે બોલ આઉટ સાઇડ ઓફ સ્ટમ્પ લેન્થ પર નાખીને ઓપનર ડેવોન કોનવેને પરેશાન કર્યો હતો. ત્યારબાદ ત્રીજા બોલથી શરૂ થયો વિકેટોનો સિલસિલો:
• ત્રીજો બોલ (ડેવોન કોનવે): રોબિન્સને વોબલ સીમથી બોલ નાખ્યો જે ટપ્પો પડ્યા બાદ ઝડપથી અંદર આવ્યો. કોનવે ફ્લિક કરવાના પ્રયાસમાં ચૂક્યો અને બોલ સીધો પેડ પર વાગ્યો. અમ્પાયરે તેને LBW આઉટ આપ્યો. કોનવેએ DRS લીધું પરંતુ રિપ્લેમાં બોલ સ્ટમ્પને ટચ કરતો હોવાથી તેણે 5 બોલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયન ભેગા થવું પડ્યું.
• પાંચમો બોલ (કેન વિલિયમસન): કોનવે બાદ કેપ્ટન કેન વિલિયમસન બેટિંગમાં આવ્યો. રોબિન્સને પાંચમો બોલ પણ તે જ લાઇન પર નાખ્યો જે ઝડપથી અંદર આવ્યો. વિલિયમસન ફ્રન્ટ ફૂટ પર રમવા જતાં બેલેન્સ ગુમાવી બેઠો અને બોલ ઇન્સાઇડ એડ્જ લઈને શોર્ટ લેગ પર ઉભેલા એમિલિયો ગેના હાથમાં સીધો કેચ તરીકે ગયો. વિલિયમસન 2 બોલમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો.
• છઠ્ઠો બોલ (રચિન રવિન્દ્ર): ઓવરના છેલ્લા પરફેક્ટ ગુડ લેન્થ બોલ પર રચિન રવિન્દ્ર થાપ ખાઈ ગયો અને બોલ તેના પાછળના પગ પર વાગ્યો. રોબિન્સનની જોરદાર અપીલ પર અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. રચિને પણ રિવ્યૂ લીધો પરંતુ રિપ્લેમાં બોલ સ્ટમ્પના ઉપરના ભાગને અડી રહ્યો હતો. રચિન રવિન્દ્ર પણ શૂન્ય રને આઉટ થતાં રોબિન્સનની આ ઓવર 3 વિકેટ સાથે મેડન રહી હતી.
ચોથી વિકેટ ઝડપીને મિચેલના સ્ટમ્પ વેરવિખેર કર્યા
આ ઘાતક બોલિંગ બાદ ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 10મી ઓવર નાખવા આવેલા રોબિન્સને ફરી એકવાર કમાલ કરી. આ વખતે તેણે કીવી ટીમના ભરોસાપાત્ર બેટ્સમેન ડેરીલ મિચેલને પોતાનો શિકાર બનાવ્યો. 10મી ઓવરના છેલ્લા બોલ પર મિચેલ બોલ લાઇનનો અંદાજ ન લગાવી શક્યો અને બોલ ઓફ સ્ટમ્પ પર પડ્યા બાદ અંદર ઘૂસીને સ્ટમ્પ સાથે અથડાયો. ડેરીલ મિચેલ 23 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો.
ઇંગ્લેન્ડના બેટ્સમેનો નબળા સાબિત થયા, બોલર્સે સંભાળી બાજી
આ પહેલાં લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ ભારે નિરાશ કર્યા હતા. આખી ઇંગ્લિશ ટીમ માત્ર 39.4 ઓવરમાં 140 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કાઇલે જેમિસને કાતિલાના બોલિંગ કરીને 5 વિકેટ ઝડપી હતી. એક સમયે ઇંગ્લેન્ડ મેચમાં સંપૂર્ણપણે પાછળ ધકેલાઈ ગયું હતું, પરંતુ ઓલી રોબિન્સનની આ જાદુઈ બોલિંગના કારણે પહેલા દિવસની રમત પૂરી થવા સુધીમાં ન્યૂઝીલેન્ડે પણ 6 વિકેટ ગુમાવીને માત્ર 61 રન જ બનાવ્યા છે.


Leave a Comment