![]()
BCCI Big Plan For Shubman Gill: ભારતીય ટીમના સિલેક્ટર્સની નજર માત્ર આગામી પ્રવાસ પર જ નથી, પરંતુ આવનારા ઘણા વર્ષો પર છે. શુભમન ગિલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે અને આ જ કારણ છે કે તેમને ટી20 ટીમથી દૂર રાખીને WTC અને વનડે વર્લ્ડ કપ 2027 માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ગિલ માટે BCCIની લાંબી વ્યૂહરચના
હવે આ નિર્ણય પાછળનું મોટું કારણ સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પસંદગી સમિતિએ શુભમન ગિલ માટે એક લાંબી વ્યૂહરચના તૈયાર કરી છે, જેના અંતર્ગત તેમને હાલમાં ટી20 ક્રિકેટથી દૂર રાખીને ટેસ્ટ અને વનડે ક્રિકેટ પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
વર્કલોડ મેનેજમેન્ટ અને સુકાનીપદની જવાબદારી
શુભમન ગિલ હાલમાં ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન છે. આગામી દોઢ વર્ષમાં ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અંતર્ગત નવ મહત્વની મેચો રમવાની છે, જ્યારે વનડે વર્લ્ડ કપ 2027 પહેલા ટીમ અંદાજે 35 વનડે મેચ પણ રમશે. આવી સ્થિતિમાં સિલેક્ટર્સ નથી ઈચ્છતા કે ગિલ ત્રણેય ફોર્મેટ સતત રમતા રહીને શારીરિક અને માનસિક થાકનો ભોગ બને. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે ગિલનું ફિટ અને ફ્રેશ રહેવું ભારતની ભવિષ્યની યોજનાઓ માટે ખૂબ જ જરૂરી છે.
સિલેક્ટર્સની પ્રાથમિકતા: ડબલ્યુટીસી અને વર્લ્ડ કપ
સૂત્રએ જણાવ્યું કે, ‘સિલેક્ટર્સ નથી ઈચ્છતા કે શુભમન ગિલ પર જરૂરિયાત કરતાં વધુ ક્રિકેટનો બોજ પડે. તેમણે ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશીપ કરવાની છે. આગામી બે વર્ષમાં ભારત સામે બે મોટા લક્ષ્યો છે- WTC ફાઇનલ અને 2027નો વનડે વર્લ્ડ કપ. તેથી ગિલની ફિટનેસ અને ફોર્મને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.’
રેડ બોલ ક્રિકેટ અને કેપ્ટન તરીકે મોટો પડકાર
ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27નું ચક્ર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ફાઇનલની રેસમાં બનેલા રહેવા માટે ભારતે પોતાની બાકી રહેલી નવ ટેસ્ટ મેચોમાંથી ઓછામાં ઓછી સાત મેચ જીતવી પડશે. એટલે કે આવનારા મહિનાઓમાં શુભમન ગિલ પર માત્ર બેટ્સમેન તરીકે જ નહીં, પરંતુ કેપ્ટન તરીકે પણ મોટી જવાબદારી રહેવાની છે. તેથી સિલેક્ટર્સ ઈચ્છે છે કે તેમનું પૂરું ધ્યાન હાલમાં રેડ બોલ ક્રિકેટ પર રહે.
ICC ટ્રોફી જીતવા ગિલનું ફોર્મ અનિવાર્ય
બીસીસીઆઈની નજર માત્ર ડબલ્યુટીસી પર જ નથી. 2027 વનડે વર્લ્ડ કપને પણ ભારતીય ક્રિકેટનું સૌથી મોટું મિશન માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વનડે ક્રિકેટમાં શુભમન ગિલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તેમને ભારતના ભવિષ્યના ચહેરા તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે બોર્ડ તેમને લાંબા સમય સુધી ફિટ રાખવા માટે વર્કલોડ મેનેજમેન્ટની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે. સિલેક્ટર્સનું માનવું છે કે ગિલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ભારતને આઈસીસી ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ગિલનો ટી20 રેકોર્ડ અને નબળું પ્રદર્શન
ટી20 ઇન્ટરનેશનલ ટીમમાંથી બહાર હોવા છતાં શુભમન ગિલનો ટી20 ક્રિકેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. આઈપીએલ 2025માં તેમણે 650 રન બનાવ્યા હતા, જ્યારે આઈપીએલમાં (અગાઉ) 732 રન ફટકારીને પોતાનો ક્લાસ સાબિત કર્યો હતો. જો કે, ભારતીય ટી20 ટીમ માટે 2025માં તેમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું ન હતું. તેમણે 15 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં માત્ર 291 રન બનાવ્યા હતા, જે બાદ તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
ટી20માં વાપસીના દરવાજા હજુ ખુલ્લા છે
રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શુભમન ગિલ માટે ટી20 ક્રિકેટના દરવાજા બંધ નથી થયા. બીસીસીઆઈનું માનવું છે કે 2028 ટી20 વર્લ્ડ કપ અને લોસ એન્જલસ ઓલિમ્પિક હજુ ઘણો દૂર છે. આવી સ્થિતિમાં હાલ પૂરતી તેમની પ્રાથમિકતા ટેસ્ટ અને વનડે ક્રિકેટ છે. સૂત્રના જણાવ્યા અનુસાર, ‘બે વર્ષ પછી કયો ખેલાડી કેવા ફોર્મ અને ફિટનેસમાં હશે, તે અત્યારે કોઈ નથી જાણતું. તેથી હાલની યોજના 2027 વનડે વર્લ્ડ કપ સુધીની છે. ત્યારબાદ પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવામાં આવશે.’


Leave a Comment