![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાતા ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સરકારે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટી તાજેતરમાં વધારી હતી એ પૂર્વે જે બજાર ભાવ હતા તે બજાર ભાવ હવે ફરી પાછા જોવા મળ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન વૈશ્વિક સોનાના ભાવ ગબડી ઔંસના ૪૨૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના અમદાવાદ બજારમાં રૂ.૫૦૦૦ તૂટયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૦૦૦ ગબડયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૩૪૩ વાળા નીચામાં ભાવ ૪૧૫૨ થઈ ૪૧૫૪થી ૪૧૫૫ ડોલર રહ્યા હતા. ફંડોનું સેલીંગ વધ્યું હતું. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૬૮.૫૮થી ઘટી નીચામાં ભાવ ૬૩.૪૩ થઈ ૬૩.૯૭થી ૬૩.૯૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ તૂટી રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા જ્યારે સોનાના ભાવ તૂટી ૯૯૫ના રૂ.૧૫૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ફરી ઉછળ્યા હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી તંગદીલી વધ્યાના વાવડ હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ઉંચામાં ૯૩.૪૭ થઈ ૯૩.૨૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ વ ધી ૯૦.૪૨ થઈ ૯૦.૧૯ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૯૧થી ૯૨ લાખ બેરલ્સ ઘટયાના સમાચાર હતા. ત્યાં બે મહિનામાં ક્રૂડનો સ્ટોક ૪૪૦ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.
દરમિયાન, સુએઝ કેનલ ઓથોરિટી દ્વારા કેનલમાંથી પસાર થતા જહાજો માટે ટ્રાન્ઝીટ ફી ૧૫ જુલાઈથી વધારવાનો નિર્ણય કર્યાના સમાચાર મળ્યા હતા. સરચાર્જ વધારવામાં આવ્યાના સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦૦ તૂટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૪૬૫૫૭ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૪૭૧૪૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે રૂ.૧૩ હજાર તૂટી રૂ.૨૩૩૨૮૩ જીએસટી વગર રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૭૫ વાળા ઘટી નીચામાં ભાવ ૧૬૫૬ થઈ ૧૬૭૦થી ૧૬૭૧ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંસના ૧૨૪૩ વાળા નીચામાં ભાવ ૧૧૯૪ થઈ ૧૨૨૪થી ૧૨૨૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૨૯ ટકા તૂટયા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ નીચામાં રૂ.૫૭૩૭૬ થઈ રૂ.૫૯૯૯૯ રહ્યા હતા.


Leave a Comment