Fake Call Center Fraud: વાપીના હરિયાપાર્ક વિસ્તારમાં આવેલા એક બંગલામાં વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દરોડો પાડીને એક મોટા આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી બે મહિલાઓ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કેનેડિયન નાગરિકો ટાર્ગેટ પર, 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત
પકડાયેલા આરોપીઓ કેનેડિયન સુરક્ષા ગુપ્તચર સેવા (CSIS) અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને વિદેશી નાગરિકોને ડરાવી-ધમકાવી તેમની સાથે છેતરપિંડી આચરતા હતા. પોલીસે દરોડા દરમિયાન 7 લેપટોપ, 16 મોબાઈલ ફોન, વાઈફાઈ રાઉટર અને હેડફોન સહિત કુલ રૂપિયા 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુપ્ત બાતમીના આધારે SOG નો દરોડો
વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપીના હરિયા પાર્કમાં આવેલા બંગલા નંબર 43માં દરોડો પાડવામાં આવ્યો હતો. બંગલામાં તપાસ કરતા ત્યાં ગેરકાયદે રીતે આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ધમધમતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 11 શખ્સોની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ રેકેટના મુખ્ય સૂત્રધાર તરીકે રાજેશ ઉર્ફે રાજ ઠોલારનું નામ સામે આવ્યું છે, જેને પકડવા માટે પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે.
ડ્રગ્સ અને ગેરકાયદે ડોલરના નામે ડરાવતા હતા
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મુખ્ય સૂત્રધાર રાજેશ દ્વારા તમામ ટેલીકોલર્સને વોટ્સએપ પર અંગ્રેજી સ્ક્રિપ્ટ અને PDF ફાઈલો પૂરી પાડવામાં આવતી હતી. આરોપીઓ કેનેડાના નાગરિકોને ફોન કરીને કહેતા કે, ‘તમારું એક પાર્સલ આવ્યું છે, જેમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અથવા ગેરકાયદે કરન્સી છે.’ સામેવાળી વ્યક્તિને વધુ ડરાવવા માટે તેઓ કેનેડિયન ગવર્મેન્ટના બોગસ લેટરપેડનો ઉપયોગ કરતા અને પોતાની ઓળખ કેનેડિયન ઇન્ટેલિજન્સ એજન્સી અથવા પોલીસ અધિકારી તરીકે આપતા હતા. જ્યારે ભોગ બનનાર વ્યક્તિ ગભરાઈ જતી, ત્યારે કેસમાંથી બચાવવાના બહાને તેમની પાસેથી એપલ અને સુપેરો કંપનીઓના ગિફ્ટ કાર્ડ મેળવીને છેતરપિંડી આચરતા હતા.
કોલિંગ માટે આધુનિક એપ્સનો ઉપયોગ
આ આંતરરાષ્ટ્રીય કૌભાંડ માટે આરોપીઓ લેપટોપમાં ‘એક્સ-લાઈટ (X-Lite Version-4)’ એપ્લિકેશનનો ઉપયોગ કરતાં હતા, સીમકાર્ડ વગરના મોબાઈલમાં વાઈફાઈ કનેક્ટિવિટી મારફત ફોન એપ્લિકેશનનો ઉપયોગ થતો હતો.
પકડાયેલા આરોપીઓની યાદી
શીવા રામચંદ્ર સૈની (રહે. મુંબઈ, મહારાષ્ટ્ર)
કમલસાવ્ય હાઉઝલ (રહે. મણિપુર)
મુનસંગલિયન હાઉઝલ (રહે. મણિપુર)
લીયન્મોનલાલ નઉલક (રહે. મણિપુર)
મેઘના યાદવ (રહે. મુંબઈ, મહારાષ્ટ્ર)
શેખર કાંબલે (રહે. મુંબઈ, મહારાષ્ટ્ર)
શ્રુતી રાય (રહે. મુંબઈ, મહારાષ્ટ્ર)
રિતેશ કુંભાર (રહે. મુંબઈ, મહારાષ્ટ્ર)
કૃતિક સકપાલ (રહે. મુંબઈ, મહારાષ્ટ્ર)
કાર્તિક બનસોડ (રહે. નાગપુર, મહારાષ્ટ્ર)
જીગર માવદિયા (રહે. નાગપુર, મહારાષ્ટ્ર)


Leave a Comment