![]()
FIFA USA win Match Against Paraguay: વૈશ્વિક ફૂટબોલના સૌથી મહાકુંભ ‘ફિફા વર્લ્ડ કપ 2026’ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. સહ-યજમાન દેશોએ પોતાના ઘરઆંગણે ચાહકોને રોમાંચથી ભરી દીધા છે. કેલિફોર્નિયાના ઇન્ગલવુડ સ્થિત પ્રતિષ્ઠિત સોફી સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ-Dની હાઈ-વોલ્ટેજ મેચમાં યજમાન અમેરિકાએ પરાગ્વેને 4-1ના મોટા અંતરથી હરાવીને ટૂર્નામેન્ટમાં રણશિંગું ફૂંક્યું છે. બીજી તરફ, અન્ય સહ-યજમાન દેશ કેનેડાએ પણ જોરદાર વાપસી કરીને બોસ્નિયા-હર્ઝેગોવિના સામેની મેચ 1-1થી ડ્રો કરાવી મહત્ત્વનો એક પોઈન્ટ મેળવ્યો છે.
અમેરિકાનો વિજય શંખનાદ: બાલોગુન અને રેના ચમક્યા
વર્ષ 1994 પછી પહેલીવાર પોતાના હોમ ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ રમી રહેલી યુએસએની ટીમ શરૂઆતથી જ વિસ્ફોટક મૂડમાં જોવા મળી હતી. અમેરિકાએ શરૂઆતથી જ આક્રમણ વધારીને પરાગ્વેને પ્રેશરમાં લાવી દીધું હતું.
• પોતાનામાં ગોલથી ખૂલ્યું ખાતું: મેચની શરૂઆતમાં જ પરાગ્વેના ડિફેન્ડર ડેમિયન બોબાડિલાએ એક મોટી ભૂલ કરી પોતાનામાં જ ગોલ કરી દીધો હતો, જેના કારણે અમેરિકાને 1-0ની મફત લીડ મળી ગઈ.
• બાલોગુનનો ડબલ ધમાકો: આ મેચનો અસલી હીરો ફોલારિન બાલોગુન રહ્યો હતો. 31મી મિનિટે કેપ્ટન ક્રિશ્ચિયન પુલિસિચના શાનદાર થ્રૂ પાસને બાલોગુને ગોલમાં ફેરવી સ્કોર 2-0 કર્યો. આ પહેલાં તેનો એક ગોલ ઓફસાઈડ જાહેર થયો હતો. પ્રથમ હાફના ઇન્જરી ટાઈમમાં બાલોગુને માલિક ટિલમેનના પાસ પર બે ડિફેન્ડરોને હંફાવીને એક અદ્ભુત કર્લિંગ શોટ વડે બોલને ટોપ કોર્નરમાં મોકલી અમેરિકાને 3-0ની મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું.
A star-spangled start! 🇺🇸🎆
Folarin Balogun’s incredible brace inspires a massive victory for the USMNT in their World Cup opener against Paraguay! 🔥 pic.twitter.com/MaSML1FTdO
— GOAL (@goal) June 13, 2026
પરાગ્વેનો વળતો પ્રહાર અને રેનાનો ફિનિશિંગ ટચ
બીજા હાફમાં પરાગ્વેએ લડત આપવાનો પ્રયાસ કર્યો. 73મી મિનિટે જુલિયો એન્સિસોના પાસ પર મૌરિસિયોએ ગોલ કરીને સ્કોર 3-1 કર્યો હતો. જોકે, સ્ટોપેજ ટાઈમમાં અમેરિકાના જિયો રેનાએ શાનદાર કાઉન્ટર અટેક કરીને બહારના પગથી ક્લાસિક શોટ મારી ચોથો ગોલ કર્યો અને અમેરિકાની 4-1થી જીત પાકી કરી દીધી.
આ મેચમાં ઈજા બાદ વાપસી કરી રહેલા ડિફેન્ડર ક્રિસ રિચર્ડ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેમજ ગોલકીપર મેટ ફ્રીઝને અનુભવી મેટ ટર્નરના સ્થાને પ્લેઇંગ-11માં મોકો મળ્યો હતો, જે સફળ સાબિત થયો. હવે અમેરિકાની આગામી ટક્કર 19 જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે.
કેનેડાએ હાર ટાળી: કાઇલ લારિને બચાવ્યો ડ્રો
ટોરોન્ટોમાં રમાયેલી ગ્રુપ સ્ટેજની અન્ય એક રોમાંચક મેચમાં સહ-યજમાન કેનેડાએ બોસ્નિયા-હર્ઝેગોવિના સામે 1-1થી ડ્રો રમીને હારનું સંકટ ટાળ્યું હતું. મેચની 21મી મિનિટે જ બોસ્નિયાના જોવો લુકિચે શાનદાર હેડર વડે ગોલ કરીને કેનેડાને આંચકો આપ્યો હતો અને પોતાની ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. કેનેડાની ટીમ લાંબા સમય સુધી ગોલ કરવા માટે સંઘર્ષ કરતી રહી.
સુપર સબ લારિનનો જાદુ: મેચના બીજા હાફમાં કોચનો એક નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. 76મી મિનિટે સબ્સ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં આવેલા કાઇલ લારિને બે જ મિનિટ બાદ એટલે કે 78મી મિનિટે પ્રોમિસ ડેવિડના શાનદાર આસિસ્ટ પર ગોલ ફટકારી સ્ટેડિયમને ગૂંજવી દીધું હતું.
આ ગોલ કેનેડા માટે ઐતિહાસિક છે કારણ કે વર્લ્ડ કપના ઇતિહાસમાં કેનેડાનો આ માત્ર બીજો ગોલ છે (આ પહેલાં તેઓ 1986 અને 2022 વર્લ્ડ કપમાં એક પણ મેચ જીતી શક્યા નહોતા). આ રોમાંચક ડ્રો સાથે કેનેડાએ ટૂર્નામેન્ટનો પોતાનો પ્રથમ પોઈન્ટ મેળવી મનોબળ મજબૂત કર્યું છે.


Leave a Comment